- ચોથી ટેસ્ટ મેચમાં ફાસ્ટ બોલર આકાશ દીપે ટેસ્ટ ડેબ્યૂ કર્યું
- ડેબ્યૂ ટેસ્ટ મેચમાં આકાશ દીપે વિશ્વભરના ક્રિકેટ પ્રેમીઓનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું
- આકાશ દીપની અહીં સુધીની સફર એટલી સરળ નથી રહી
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ચોથી ટેસ્ટ મેચના પહેલા દિવસે ફાસ્ટ બોલર આકાશ દીપે ઘણી હેડલાઈન્સ બનાવી છે. પોતાની ડેબ્યૂ ટેસ્ટ મેચમાં આકાશ દીપે વિશ્વભરના ક્રિકેટ પ્રેમીઓનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. ડેબ્યૂ ટેસ્ટમાં આકાશ દીપે ઈંગ્લેન્ડ જેવી મજબૂત ટીમ સામે માત્ર 6 ઓવરમાં 3 વિકેટ ઝડપી હતી. પોતાની ખતરનાક બોલિંગથી આકાશ દીપે પ્રથમ સેશનમાં જ ઈંગ્લેન્ડની ટીમની બેટિંગની કમર તોડી નાખી હતી. આકાશ દીપની અહીં સુધીની સફર એટલી સરળ નથી રહી જેટલી દરેક વ્યક્તિ વિચારે છે. આકાશ દીપના સંઘર્ષથી ભરેલા જીવન વિશે કેટલીક એવી વાતો જે તમને ચોંકાવી દેશે.
માતા માટે 3 વર્ષ માટે ક્રિકેટ છોડ્યું
આકાશ દીપની ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કરવાની સફર એટલી સરળ રહી નથી. આકાશ દીપે નાની ઉંમરમાં જ તેના પિતા અને મોટા ભાઈને ગુમાવ્યા હતા. આકાશી દીપના પિતાનું હાર્ટ એટેકથી અવસાન થયું હતું. બે મહિના પછી તેના મોટા ભાઈનું પણ અવસાન થયું. ત્યારપછી આકાશ દીપની સંપૂર્ણ સંભાળ તેની માતાએ લીધી હતી. આ સમયગાળા દરમિયાન, તેમના ઘરમાં પૈસા સંબંધિત ઘણી સમસ્યાઓ હતી. જે બાદ આકાશ દીપે તેની માતાની સંભાળ રાખવા માટે 3 વર્ષ સુધી ક્રિકેટ છોડવાનો નિર્ણય લીધો હતો. આકાશ દીપે ઘરના ખર્ચને પહોંચી વળવા માટે કેટલાક કામ કરીને પૈસા કમાયા હતા.
પરિવારે કર્યો સપોર્ટ
આકાશ દીપનો ક્રિકેટ પ્રત્યેનો જુસ્સો જોઈને તેના કાકાએ આકાશને ઘણો સપોર્ટ કર્યો. જે બાદ આકાશ દીપને સ્થાનિક ક્રિકેટ એકેડમીમાં દાખલ કરવામાં આવ્યો હતો. થોડા સમય પછી આકાશ બિહારથી કોલકાતા આવ્યો. વર્ષ 2023માં આકાશ દીપે બંગાળની અંડર-23 ટીમમાં ડેબ્યૂ કર્યું હતું.
આ પછી તે લાંબા સમય સુધી બંગાળ માટે ક્રિકેટ રમ્યો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે IPL 2022માં આકાશ દીપને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. હવે 23 ફેબ્રુઆરીએ આકાશ દીપે ટીમ ઈન્ડિયા માટે ટેસ્ટ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું. આકાશ દીપ ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કરનાર 313મો ખેલાડી બની ગયો છે.
આકાશ દીપની માતા ડેબ્યુ મેચમાં પહોંચ્યા
આકાશ દીપને ઈંગ્લેન્ડ સામેની રાંચી ટેસ્ટ મેચમાં ડેબ્યૂ કરવાની તક મળી છે. ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે આકાશને ડેબ્યૂ કેપ આપી હતી. આ દરમિયાન આકાશ દીપની માતા પણ મેદાનમાં હાજર હતી. આ ક્ષણે સૌને ભાવુક પણ કરી દીધા હતા.
'ભાઈ ગુમાવ્યો'
રાહુલ દ્રવિડે કહ્યું કે તમે તમારા જીવનની શરૂઆત બડી સાથે કરી હતી. બડી સાથે તમે ક્રિકેટ રમવા દિલ્હી ગયા હતા. તમે દિલ્હીમાં પણ લાંબો સમય સંઘર્ષ કર્યો અને પછી તમે કોલકાતા ગયા. તમે તમારી કારકિર્દી દરમિયાન અત્યાર સુધી ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. તમે ઘણું ડોમેસ્ટિક ક્રિકેટ પણ રમ્યું છે, તમે ત્યાં પણ ઘણું સારું પ્રદર્શન કર્યું છે. આ કારણે આજે તમે ભારતીય ટીમ માટે ડેબ્યૂ કરી રહ્યા છો. આજે તમે તમારા ઘરથી માત્ર 200 કિલોમીટર દૂર છો. તમારા પરિવારના સભ્યો પણ અહીં આવ્યા છે. મને અફસોસ છે કે તમે તમારા પિતાને ગુમાવ્યા. આના 6 મહિના પછી તમે તમારો ભાઈ પણ ગુમાવ્યો.
'અમે તમારી સાથે છીએ'
દ્રવિડે વધુમાં કહ્યું કે તમારા પિતા અને મોટા ભાઈ જ્યાં પણ હશે તેઓ તમને આશીર્વાદ આપશે. તમે અહીં સુધી પહોંચવા માટે સખત મહેનત કરી છે. તમે આ જીવનનો આનંદ માણો, આ મેચનો આનંદ માણો. તમારું સ્વપ્ન સાકાર કરવા અમે અને અમારી આખી ટીમ તમારી સાથે છીએ. આ 5 દિવસનો સંપૂર્ણ આનંદ માણો. દ્રવિડ બાદ આકાશ દીપે કહ્યું કે મારું સપનું ભારત માટે ટેસ્ટ રમવાનું હતું. મારા માટે આનાથી મોટું કંઈ ન હોઈ શકે. મારા પરિવારના સભ્યો પણ અહીં છે, હું આ માટે ખૂબ જ ખુશ છું.