• ભારતના સ્ટાર બેટ્સમેન શ્રેયસ ઐયર અને ઈશાન કિશનને મોટી રાહત
  • રણજી ટ્રોફી નહીં રમવાના કારણે ઐયર-કિશનને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ રદ નહીં કરાય
  • ઐયર અને ઈશાન કિશન અલગ-અલગ કારણોસર વિવાદોમાં આવ્યા

ભારતના સ્ટાર બેટ્સમેન શ્રેયસ ઐયર અને ઈશાન કિશનને મોટી રાહત મળી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ઈશાન કિશન અને શ્રેયસ ઐયરને કેન્દ્રીય કરારમાંથી હટાવશે નહીં. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. અગાઉ એવો દાવો કરવામાં આવ્યો હતો કે રણજી ટ્રોફી નહીં રમવાના કારણે શ્રેયસ ઐયર અને ઈશાન કિશનને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ પ્લેયર્સની યાદીમાંથી હટાવી દેવામાં આવશે. પરંતુ હજુ સુધી BCCIએ બંને ખેલાડીઓ સામે કોઈ કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો નથી. હાલમાં જ શ્રેયસ ઐયર અને ઈશાન કિશન અલગ-અલગ કારણોસર વિવાદોમાં આવ્યા છે.

દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન વિવાદમાં આવ્યો કિશન

દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન જ ઈશાન કિશન વિવાદોમાં ઘેરાઈ ગયો હતો. ઇશાન કિશન માનસિક સ્વાસ્થ્યનું કારણ આપીને દક્ષિણ આફ્રિકા પ્રવાસમાંથી ખસી ગયો હતો. આ પછી કિશનને અફઘાનિસ્તાન અને ઈંગ્લેન્ડ સામેની સીરીઝ માટે ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી ન હતી. ટીમ ઈન્ડિયાના કોચ રાહુલ દ્રવિડે સ્પષ્ટ કર્યું કે ઈશાન કિશનને વાપસી કરવા માટે પહેલા ડોમેસ્ટિક ક્રિકેટ રમવું પડશે. પરંતુ કિશને આ સલાહ સ્વીકારી નહીં.

ઐયર અને કિશન વિવાદમાં આવ્યા

કિશનના આ પગલા બાદ BCCI કડક બન્યું હતુ. BCCIએ સ્પષ્ટ કર્યું છે કે રાષ્ટ્રીય કરાર ધરાવતા ખેલાડીઓ રણજી ટ્રોફીને અવગણી શકે નહીં. આમ છતાં ઈશાન કિશને રણજી ટ્રોફીથી અંતર જાળવી રાખ્યું હતું.

આવી જ પદ્ધતિ શ્રેયસ અય્યરે અપનાવી હતી. ઐયરને બીજી ટેસ્ટ બાદ ટીમ ઈન્ડિયામાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. પરંતુ ટીમની બહાર થયા બાદ ઐયરે રણજી ટ્રોફી ન રમવા માટે ઈજાનું બહાનું બનાવ્યું હતું. નેશનલ ક્રિકેટ એકેડમીએ સ્પષ્ટ કર્યું છે કે ઐયર રમવા માટે એકદમ ફિટ છે. આ કારણોથી ઐયર વિવાદોમાં પણ આવ્યા હતા. જોકે, અત્યાર સુધી આ બંને ખેલાડીઓ BCCIની કાર્યવાહીથી બચી શક્યા છે.

  • Follow us on: