- નવીન ઉલ હકે ગઇકાલની ઘટના બાદ સોશિયલ મીડિયા પર પહેલી પ્રતિક્રિયા આપી
- તમને એ જ મળે છે જેના તમે હકદાર છો, આવું જ થવું જોઇએ અને આવું જ થાય છે: નવીન
- નવીન ઉલ હક કહેવા માંગી રહ્યા છે કે મેદાન પર જે પણ થયું, તમે તેના જ લાયક હતા
ગૌતમ ગંભીર સાથે ઝઘડતા પહેલાં વિરાટ કોહલીએ લખનૌના મીડિયમ પેસર નવીન-ઉલ-હક સાથે દલીલ કરી હતી. આ સમગ્ર વિવાદમાં તે ત્રીજું મહત્વપૂર્ણ પાત્ર છે, જેના કારણે ઝઘડો શરૂ થયો હતો. હવે અફઘાનિસ્તાનના આ ખેલાડીએ 1લી મેની રાત્રે બનેલી ઘટના પર સોશિયલ મીડિયા પર પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે. નવીન-ઉલ-હકે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર અંગ્રેજીમાં લખ્યું છે, 'You GET WHAT YOU DESERVE HATS IT SHOULD BE AND THATS HOW IT GOES' એટલે કે 'તમને એ જ મળે છે જેના તમે હકદાર છો, આવું જ થવું જોઇએ અને આવું જ થાય છે.'
કોની તરફ ઈશારો કરે છે?
મેચમાં ત્રણ વિકેટ લેનાર નવીન ઉલ હક કહેવા માંગી રહ્યા છે કે મેદાન પર જે પણ થયું, તમે તેના જ લાયક હતા. આ ઇશારો કોની તરફ છે? શું આ વિરાટ કોહલીને જવાબ છે? જો કે ફેન્સ હવે તેના શબ્દોને પોતાની રીતે અર્થઘટન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ નવીને કોઈનું નામ લખ્યું નથી. પણ જેઓ સમજે છે તેઓ સમજી ગયા છે કે તે કઈ દિશામાં વાત કરી રહ્યા છે.

આની પહેલા વિરાટ કોહલીએ પણ પોતાની પહેલી પ્રતિક્રિયા ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર વ્યક્ત કરી હતી. તેમણે લખ્યું, 'આપણે જે પણ કંઇ સાંભળીએ છીએ તે વિચાર હોય છે, આપણે જે કંઇ જોઈએ છીએ તે એક દ્રષ્ટિકોણ છે, સત્ય નથી'. ચોક્કસ વિરાટ કોહલીના ફેન્સ આને લઈને ખૂબ જ ઉત્સાહિત છે અને તેનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર જોરદાર રીતે શેર કરવામાં આવી રહ્યો છે.
નવીન-વિરાટ કેવી રીતે ઝઘડયા?
માત્ર 127 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી લખનૌની ટીમ પાવરપ્લે દરમિયાન જ પરાજય પામી હતી. પોતાની ટીમનો દબદબો જોઈને કોહલી વિરોધી બેટ્સમેનોને ખૂબ ચીડાવતો જોવા મળ્યો હતો. આ દરમિયાન તેની નવીન ઉલ હક સાથે બોલાચાલી થઈ હતી. ત્યારે વિરાટે અફઘાન ક્રિકેટરને તેના જૂતા બતાવીને જવાબ આપ્યો હતો. મેચ પુરી થયા બાદ હેન્ડશેક દરમિયાન પણ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. ગૌતમ ગંભીર બાદમાં મેદાનમાં ઉતર્યો હતો, જો કે કોહલી અને ગંભીર બંનેને IPL આચાર સંહિતાના ભંગ બદલ તેમની મેચ ફીના 100 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે, જ્યારે નવીનને તેની મેચ ફીના 50 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે.