- ભારતે T20 વર્લ્ડકપ 2024નો ખિતાબ જીત્યો હતો
- મહારાષ્ટ્રના CM શિંદે દ્વારા ખેલાડીઓનું સન્માન કરાયું
- ટીમમાં સામેલ મહારાષ્ટ્રના ક્રિકેટરોનું કરાયું સન્માન
ભારતીય ટીમે 29 જૂને T20 વર્લ્ડકપ 2024નો ખિતાબ જીત્યો હતો. આ જીત સાથે જ ICC ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની લાંબી રાહનો પણ અંત આવ્યો. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતે વર્લ્ડકપનો ખિતાબ જીત્યો હતો. રોહિત શર્મા ભારત માટે T20 વર્લ્ડકપ જીતનારો બીજો ભારતીય કેપ્ટન બની ગયો છે. આ પહેલા ભારતે વર્ષ 2007માં એમએસ ધોનીની કપ્તાનીમાં આ ખિતાબ જીત્યો હતો.
ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડકપ 2024ની ફાઇનલમાં સાઉથ આફ્રિકાને 7 રનથી હરાવ્યું હતું. જ્યારે ટીમ ઈન્ડિયા 4 જુલાઈના રોજ ટ્રોફી સાથે ભારત પરત આવી ત્યારે તેમને દરેક જગ્યાએ ખૂબ સન્માન આપવામાં આવ્યું હતું. આ દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે દ્વારા ખેલાડીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
આ ખેલાડીઓનું કરવામાં આવ્યું સન્માન
મહારાષ્ટ્રના CM એકનાથ શિંદે શુક્રવારે 5 જુલાઈના રોજ મુંબઈમાં તેમના ઘરે ભારતની T20 વર્લ્ડકપ 2024 ટીમમાં સામેલ મહારાષ્ટ્રના ક્રિકેટરોને મળ્યા હતા. મહારાષ્ટ્રના CMએ રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે અને યશસ્વી જયસ્વાલને ભારતની T20 વર્લ્ડકપ જીતવામાં ભૂમિકા બદલ સન્માનિત કર્યા હતા. ભારતીય ક્રિકેટરો અને ચાહકોએ ગુરુવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભવ્ય વિજય પરેડ અને સન્માન સમારોહ સાથે T20 વર્લ્ડકપ 2024 ની સફળતાની ઉજવણી કરી હતી. એકનાથ શિંદેએ મુંબઈ ક્રિકેટ એસોસિએશન સાથે સંકળાયેલા ક્રિકેટરોને CMના નિવાસસ્થાને આમંત્રણ આપ્યું હતું. આ સિવાય મહારાષ્ટ્ર સરકારે પણ ક્રિકેટરોને વિધાનસભાની સામે સન્માનિત કરવા આમંત્રણ આપ્યું હતું.
રોહિત શર્માએ વિધાનસભામાં આપ્યું નિવેદન
રોહિત શર્માએ વિધાનસભામાં પોતાના વિચારો રજૂ કર્યા. જ્યાં તેમણે કહ્યું કે દરેકને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, અમને અહીં આમંત્રણ આપવા બદલ CM સરનો આભાર. તેઓએ મને એટલું જ કહ્યું કે આ અહીંની પ્રથમ ઘટના છે અને અમે તેનાથી ખૂબ જ ખુશ છીએ. કાલે મુંબઈમાં આ બધું જોઈને અમે ખેલાડીઓ પણ ખૂબ ખુશ છીએ. આ વર્લ્ડકપ માટે અમારી 11 વર્ષની રાહ હતી, અમે છેલ્લે 2013માં ICC ટ્રોફી જીતી હતી. હું મારા સાથીદારોનો, માત્ર દુબે, સૂર્યા અને યશસ્વીનો જ નહીં પરંતુ ભારતની સફળતામાં યોગદાન આપનારા તમામનો ખૂબ આભારી છું. હું નસીબદાર હતો કે આવી ટીમ મળી, દરેક જણના પ્રયત્નો અદ્ભુત હતા.