- IPL 2024ની 25મી મેચ MI અને RCB વચ્ચે રમાશે
- મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે આ મેચ
- મુંબઇએ હાર્વિક દેસાઈનો સ્કવોડમાં સમાવેશ કર્યો
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની 25મી મેચમાં આજે મુંબઈ ઈન્ડિયન્સ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ટકરાશે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. આ મેચ પહેલા મુંબઈ ઈન્ડિયન્સમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સે વિષ્ણુ વિનોદના સ્થાને વિકેટકીપર બેટ્સમેન હાર્વિક દેસાઈનો સમાવેશ કર્યો છે. વિનોદ ઈજાના કારણે વર્તમાન સિઝનમાંથી બહાર છે.
વિષ્ણુ વિનોદને ઈજા થઈ
કેરળનો ખેલાડી વિષ્ણુ વિનોદ ઈજાના કારણે IPLની 17મી સિઝનમાંથી બહાર થઈ ગયો છે. વિનોદને ડાબા હાથમાં ઈજા થઈ છે અને તે ટૂર્નામેન્ટની આ સિઝનમાં ભાગ લેશે નહીં. સૌરાષ્ટ્રના વિકેટકીપર બેટ્સમેન હાર્વિક દેસાઈ IPL 2024 માટે મુંબઈ ઈન્ડિયન્સમાં જોડાવા માટે તૈયાર છે. અંડર-19 વર્લ્ડ કપ વિજેતા હાર્વિકે 2018-19 સિઝનમાં તમામ ફોર્મેટમાં ઘરેલું ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો.
સૌરાષ્ટ્રનો મહત્વનો ખેલાડી છે હાર્વિક
હાર્વિક દેસાઈ વર્ષોથી સૌરાષ્ટ્ર માટે મહત્ત્વનો ખેલાડી રહ્યો છે અને તેની આક્રમક બેટિંગ માટે જાણીતો છે. યુવા ખેલાડીઓ IPLમાં પોતાની પ્રતિભા દર્શાવવાની આશા રાખશે. દેસાઈ 2018માં ભારતની અંડર-19 વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ હતો. શુભમન ગિલ, શિવમ માવી પણ આ ટીમના સભ્યો હતા. દેસાઈએ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે વિજયી ફટકો માર્યો હતો.
બીજી જીતની રાહ જોઈ રહ્યું છે મુંબઈ
IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સનું પ્રદર્શન અત્યાર સુધી ખાસ રહ્યું નથી. ટીમને તેની પ્રથમ 3 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી ટીમે છેલ્લી મેચ જીતી હતી. મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને 29 રને હરાવ્યું. અગાઉ મુંબઈને ગુજરાત ટાઇટન્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.