- હાર્દિક અને કૃણાલ સાથે બિઝનેસ પાર્ટનરશીપમાં કરોડો રૂપિયાની છેતરપિંડી
- હાર્દિક પંડ્યાના સાવકા ભાઈ વૈભવ પંડ્યાને મુંબઈ પોલીસે પકડ્યો
- વૈભવ પંડ્યા પરિવારના દરેક ફંકશનમાં જોવા મળે છે
મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાના સાવકા ભાઈ વૈભવ પંડ્યાને મુંબઈ પોલીસે પકડી લીધો છે. હાર્દિક અને કૃણાલ સાથે બિઝનેસ પાર્ટનરશીપમાં કરોડો રૂપિયાની છેતરપિંડીના કેસમાં પોલીસે તેની ધરપકડ કરી છે. વૈભવ વિરૂદ્ધ ભાગીદારી પેઢી પાસેથી આશરે રૂ. 4.3 કરોડની છેતરપિંડી કરવાનો કેસ પ્રકાશમાં આવ્યો છે. વૈભવ હાર્દિક પંડ્યાનો સાવકો ભાઈ છે. સોશિયલ મીડિયા પર પંડ્યા ભાઈઓની એક સાથે ઘણી તસવીરો છે.
પંડ્યા પરિવારના ફંક્શનમાં દેખાય છે વૈભવ
વૈભવ પંડ્યા પરિવારના દરેક ફંકશનમાં જોવા મળે છે. સંપત્તિની વાત કરીએ તો તે હાર્દિક અને કૃણાલની જેમ ખૂબ જ વૈભવી જીવન જીવે છે. તે હાર્દિક અને કૃણાલની ખૂબ નજીક છે. ગયા વર્ષે, હાર્દિક પંડ્યાની પત્ની નતાશા સ્ટેનકોવિકે પંડ્યા પરિવારનું એક પ્રશ્ન-જવાબ સત્ર શેર કર્યું હતું, જેમાં નતાશા, કૃણાલ અને પત્ની પંખુરી ઉપરાંત વૈભવ અને ગૌરવ પંડ્યાએ પણ ભાગ લીધો હતો. પંડ્યા પરિવારે આ દરમિયાન તેમના પરિવાર વિશે ઘણી વાતો કરી હતી. ચાહકોના પ્રશ્નોના જવાબ આપ્યા. આ દરમિયાન નતાશાએ કહ્યું હતું કે આખો પરિવાર એક ઘરમાં રહે છે.
વૈભવનું હાર્દિક સાથે સારૂં બોન્ડિંગ
આ સેશનમાં વૈભવે જણાવ્યું હતું કે હાર્દિક અને કૃણાલ સાથે તેનું બોન્ડિંગ કેટલું સારૂં છે. તેમનું માનવું હતું કે તેમને પ્રેરણા બહારથી નહીં પરંતુ ઘરમાંથી મળી છે. તેણે તેનો આખો સંઘર્ષ જોયો છે. બંને ભાઈઓ પરિસ્થિતિને સારી રીતે સંભાળે છે. આ દરમિયાન નતાશા પણ વૈભવ સાથે સારી રીતે બોન્ડિંગ કરતી જોવા મળી હતી.વૈભવ ઘણીવાર સ્ટેડિયમમાં હાર્દિક અને કૃણાલને સપોર્ટ કરતો જોવા મળ્યો હતો.
કેવી રીતે વૈભવે હાર્દિક અને કૃણાલને લગાવ્યો ચુનો
એક વર્ષ પહેલા વૈભવ, હાર્દિક અને કૃણાલે સાથે મળીને બિઝનેસ શરૂ કર્યો હતો. જેમાં હાર્દિક અને કૃણાલનું 40-40 ટકા અને વૈભવનું 20 ટકા રોકાણ હતું. જે બાદ નફો પણ આ આધારે વહેંચવાનો હતો. વૈભવે કોઈને જાણ કર્યા વિના તેના નફા સાથે બીજી પેઢી બનાવી ભાગીદારી કરારનો ભંગ કર્યો હતો. નવી પેઢીને કારણે ભાગીદારીમાં નફો ઘટ્યો અને લગભગ ત્રણ કરોડનું નુકસાન થયું. આ ઉપરાંત વૈભવે કોઈને કહ્યા વગર પોતાનો નફો 20થી વધારીને 33.3 ટકા કરી દીધો, જેના કારણે બંને ભાઈઓને મોટું નુકસાન થયું હતું.