• મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ
  • આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સની નજર પ્રથમ જીત હશે
  • MIને RRના 3 ખેલાડીઓ પર મેળવવો પડશે કાબું

IPL 2024ની 14મી મેચમાં આજે મુંબઈ ઈન્ડિયન્સ રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં યોજાનારી આ મેચમાં MIની નજર પ્રથમ જીત પર હશે. બીજી તરફ, રાજસ્થાન રોયલ જીતની હેટ્રિક ફટકારવા માંગશે. હાર્દિક પંડ્યાની કપ્તાનીવાળી મુંબઈએ અત્યાર સુધીમાં 2 મેચ રમી છે અને એકપણ મેચ જીતી શકી નથી. બીજી તરફ, RRએ બંને મેચ જીતી લીધી છે. મુંબઈમાં યોજાનારી આ મેચમાં MIએ RRના 3 ખેલાડીઓનું ધ્યાન રાખવાની જરૂર છે. જેમાં રિયાન પરાગ, સંજુ સેમસન અને જોસ બટલરનો સમાવેશ થાય છે.

રિયાન પરાગ

છેલ્લા કેટલાક સિઝનમાં રાજસ્થાન રોયલ્સ માટે ફિનિશરની ભૂમિકા ભજવનાર રિયાન પરાગને કેપ્ટન સંજુ સેમસને પ્રમોટ કર્યો હતો. તેણે રિયાનને ચોથા નંબર પર બેટિંગ કરવા મોકલ્યો હતો. આનો ફાયદો પણ ટીમને થયો. રિયાને છેલ્લી 2 મેચમાં સારી બેટિંગ કરી છે. તેણે છેલ્લી 2 મેચમાં 127 રન બનાવ્યા છે. રિયાન લખનૌ સુપર જાયન્ટ્સ સામે ફિફ્ટી ચૂકી ગયો હતો. તેણે 29 બોલમાં 43 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. આ ઉપરાંત રિયાન પરાગે દિલ્હી કેપિટલ્સ સામે 45 બોલમાં અણનમ 84 રન બનાવ્યા હતા. તેને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો.

સંજુ સેમસન

રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન સંજુ સેમસન પણ આ સિઝનમાં શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. તેણે લખનૌ સુપર જાયન્ટ્સ સામેની પ્રથમ મેચમાં મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી. સંજુ 52 બોલમાં 82 રન બનાવીને અણનમ રહ્યો હતો. તેને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો. જો કે, દિલ્હી કેપિટલ્સ સામે સંજુનું બેટ શાંત રહ્યું હતું અને તે 14 બોલમાં માત્ર 15 રન જ બનાવી શક્યો હતો.

જોસ બટલર

રાજસ્થાન રોયલ્સના તોફાની બેટ્સમેન જોસ બટલર આ સિઝનમાં હજુ સુધી પોતાના ફોર્મમાં પાછો ફર્યો નથી. લખનૌ સામે તેણે 9 બોલમાં 11 રન બનાવ્યા અને દિલ્હી કેપિટલ્સ સામે તેણે 16 બોલમાં 11 રન બનાવ્યા. બટલર બે મેચમાં ભલે કંઈ ખાસ કરી શક્યો ન હોય, પરંતુ તે એકલા હાથે મેચનો દિશા બદલવાની શક્તિ ધરાવે છે.

  • Follow us on: