• PCBમાં થશે મોટો ફેરફાર
  • મિસ્બાહ ઉલ હકની PCBમાં એન્ટ્રી
  • પૂર્વ કેપ્ટનને અપાશે જવાબદારી

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડમાં અવારનવાર ફેરફાર થતા જોવા મળે છે. ક્યારેક પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન બદલી જાય છે, તો ક્યારેક ટીમના મુખ્ય સિલેક્ટર બદલી જાય છે. આ તમામ વચ્ચે ફરી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડમાં ફેરફાર થયો છે. હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડમાં પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન મિસ્બાહ ઉલ હકની એન્ટ્રી થઈ છે. મિસ્બાહને PCBએ મોટી જવાબદારી આપી છે.

હકની ક્રિકેટ કમિટીના હેડ તરીકે નિયુક્તિ

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન જકા અશરફે મિસ્બાહ ઉલ હકની ક્રિકેટ કમિટીના હેડ તરીકે નિયુક્તિ કરી છે. આ ઉપરાંત તે ક્રિકેટ મામલે PCBના ચેરમેન જકા અશરફના સલાહકાર પણ રહેશે. નવી જવાબદારી મળવાથી મિસ્બાહ ગત સોમવારે PCBના ચેરમેન જકા અશરફને મળ્યા હતા.

પાકિસ્તાનના કોચ અને મુખ્ય સિલેક્ટર રહી ચૂક્યા છે મિસ્બાહ

પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન મિસ્બાહ ઉલ હક પાકિસ્તાન ક્રિકેટ ટીમના હેડ કોચ અને મુખ્ય સિલેક્ટર રહી ચૂક્યા છે. તે એક જ સમયે બંને પદ પર કાર્યરત હતા. આવું પહેલી વખત બન્યું હતું કે, પાકિસ્તાનમાં કોઈ એક જ વ્યક્તિને એક સમયે 2 પદની જવાબદારી મળી હતી. જો કે, રમીઝ રાઝા PCBના ચેરમેન બન્યા, તે બાદ મિસ્બાહે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું.

મુખ્ય સિલેક્ટર બની શકે છે મોહમ્મદ હફીઝ

પાકિસ્તાનના પૂર્વ ઓલરાઉન્ડર મોહમ્મદ હફીઝ પાકિસ્તાનના નવા મુખ્ય સિલેક્ટર બનવાની રેસમાં સૌથી આગળ ચાલી રહ્યા છે. શ્રીલંકા વિરુદ્ધ ચાલી રહેલી ટેસ્ટ સીરિઝ બાદ હાફીઝને આ જવાબદારી મળી શકે છે. મળતી માહિતી મુજબ, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ક્રિકેટ મેનેજમેન્ટ કમિટીના નવા ચેરમેન જકા અશરફ મોહમ્મદ હફીઝને મુખ્ય સિલેક્ટર બનાવવાવ માંગે છે. ઉલ્લેખનીય છે કે, PCBમાં મુખ્ય સિલેક્ટરનું પદ જૂન મહિનાથી ખાલી છે.

  • Follow us on: