- T20 વર્લ્ડકપ બાદ ઘણા સ્ટાર ક્રિકેટરોએ ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લીધી
- ઓસ્ટ્રેલિયન ખેલાડી મિચેલ સ્ટાર્કની નિવૃત્તિને લઈને પણ ચર્ચા શરૂ
- સુપર-8 મેચમાંથી બહાર થયા બાદ સ્ટાર્ક ગુસ્સે થયો
T20 વર્લ્ડકપ બાદ ભારત સહિત દુનિયાભરના ઘણા સ્ટાર ક્રિકેટરોએ T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લીધી છે. વર્લ્ડકપ જીત્યા બાદ તરત જ વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજાએ નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી. ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટ્સમેન ડેવિડ વોર્નરે પણ નિવૃત્તિ લઈ લીધી છે. હવે ઓસ્ટ્રેલિયન ખેલાડી મિચેલ સ્ટાર્કની નિવૃત્તિને લઈને પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે.
2010માં ડેબ્યૂ કરનાર સ્ટાર્ક 34 વર્ષનો છે. આવી સ્થિતિમાં તે નિવૃત્તિ લેવાનું વિચારી રહ્યો છે? સ્ટાર્કે પોતે આ અંગે પોતાનું મૌન તોડ્યું છે. વિલો ટોક પોડકાસ્ટ પર કહ્યું: “મને ખબર નથી, કદાચ હું આ અંગે અચોક્કસ હોઈશ. મેં હજુ સુધી આ અંગે મારો નિર્ણય લીધો નથી.”
ટીમ મેનેજમેન્ટ પર ઉઠાવ્યા સવાલ
આ સાથે કેરેબિયન મેદાન પર અફઘાનિસ્તાન સામે રમાયેલી સુપર-8 મેચમાંથી બહાર થયા બાદ સ્ટાર્ક ગુસ્સે થયો હતો. સ્ટાર્કને મોટી મેચનો ખેલાડી માનવામાં આવે છે, પરંતુ તેને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. પોતાની નારાજગી વ્યક્ત કરતા સ્ટાર્કે કહ્યું કે તે ટીમ મેનેજમેન્ટના નિર્ણયથી બિલકુલ ખુશ નથી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાને અફઘાનિસ્તાન સામે 21 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે ઓસ્ટ્રેલિયાની સેમીફાઈનલમાં જવાની આશા ઠગારી નીવડી હતી. આ મેચમાં સ્ટાર્કની જગ્યાએ એશ્ટન ઇગરનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
સ્પિને મહત્વની ભૂમિકા ભજવી
સ્ટાર્કે કહ્યું કે કદાચ ટીમ મેનેજમેન્ટે માત્ર સેન્ટ વિન્સેન્ટના મેદાન પરની તેમની અગાઉની મેચો પર નજર નાખી. જેમાં સ્પિન મહત્વની ભૂમિકા ભજવી હતી. સ્ટાર્કે કહ્યું- કદાચ તે મેચમાં પણ અમે ફિલ્ડિંગના કારણે હારી ગયા હતા. ફાસ્ટ બોલરે આ માટે વર્લ્ડકપના વ્યસ્ત શેડ્યૂલને પણ જવાબદાર ગણાવ્યો હતો. તેણે કહ્યું કે અમારી પાસે બે રાત્રિની રમત હતી અને ત્રીજી દિવસની રમત હતી, તેથી તે અમારા માટે સારી તૈયારી નહોતી. તેણે કહ્યું કે વેસ્ટ ઈન્ડિઝના સ્થળો વચ્ચે મુસાફરી કરવી હંમેશા મુશ્કેલ હોય છે.
રોહિત શર્મા પર આપ્યું નિવેદન
સ્ટાર્કે ભારતીય બેટ્સમેન રોહિત શર્મા સામે રમવા પર પણ નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું કે હું તેની સામે ઘણો રમ્યો છું. તેઓએ સંભવતઃ સેન્ટ લુસિયામાં પવનનો લાભ લીધો હતો. મેં પાંચ ખરાબ બોલ ફેંક્યા અને તે બધા પર તેણે સિક્સર ફટકારી.