• ગાઝાને સમર્થન કરીને ફસાયો મોહમ્મદ રિઝવાન
  • પાક.ના પૂર્વ ખેલાડીઓ જ રિઝવાનની કરે છે ટિકા
  • દાનિશ કનેરિયાએ મોહમ્મદ રિઝવાનને આડે હાથ લીધો

ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરે વર્લ્ડકપ 2023માં રમાયેલી મેચ બાદ પાકિસ્તાનની ટીમ દરેકના નિશાના પર છે. માત્ર ભારત કે વિશ્વના અન્ય દેશોના દિગ્ગજ જ નહીં પરંતુ પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરો પણ પાકિસ્તાનને છોડતા નથી. શોએબ અખ્તર, વકાર યુનિસ, રમીઝ રાઝા બાદ હવે દાનિશ કનેરિયાની એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. રવિવારે દાનિશે અનેક ટ્વીટ કર્યા. જેમાં તેમણે આખી પાકિસ્તાની ટીમને કહ્યું કે, વાત ઓછી કરો અને રમત પર ધ્યાન કેન્દ્રિત કરો. જે બાદ તેણે મોહમ્મદ રિઝવાનને નિશાન બનાવીને એક પોસ્ટ પણ કરી હતી.

મોહમ્મદ રિઝવાને પોસ્ટ કરી હતી

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાને બીજી મેચમાં શ્રીલંકાના રેકોર્ડ ચેઝ કરીને હરાવ્યું હતું. રિઝવાન આ મેચમાં સદી ફટકારીને જીતનો હીરો રહ્યો હતો. જે બાદ મોહમ્મદ રિઝવાનની એક પોસ્ટ સામે આવી હતી. જીત બાદ રિઝવાને ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધ અંગે ટ્વીટ કર્યું હતું. જેમાં રિઝવાને લખ્યું હતું કે, આ ગાઝામાં અમારા ભાઈઓ અને બહેનો માટે હતું. જીતમાં યોગદાન આપીને ખુશ છું. આને સરળ બનાવવાનો શ્રેય સમગ્ર ટીમ અને ખાસ કરીને અબ્દુલ્લા શફીક અને હસન અલીને જાય છે.


દાનિશ કનેરિયાએ લીધો આડે હાથ

હવે દાનિશ કનેરિયાએ આ અંગે મોહમ્મદ રિઝવાન પર નિશાન સાધીને ટ્વીટ કર્યું કે, આગમી વખતે તમારી જીત માનવતાને સમર્પિત કરો. ભગવાન ક્યારેય ક્રૂરતાને ટેકો આપતા નથી. ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રિઝવાનનું આ પ્રકારનું ટ્વીટ તેની ટીમના સાથીઓ માટે સારું નહોતું. આ ટ્વીટને લઈને તેને સોશિયલ મીડિયા પર ઘણી ટીકાઓનો પણ સામનો કરવો પડ્યો હતો. હવે ભારત સામેની હાર બાદ તેની જ ટીમના પૂર્વ ખેલાડીઓ તેને સલાહ આપી રહ્યા છે.


વર્લ્ડકપ 2023માં રિઝવાનનું પ્રદર્શન

મોહમ્મદ રિઝવાનની વાત કરીએ તો આ વર્લ્ડકપમાં બેટિંગના મામલે તેનું પ્રદર્શન સારું રહ્યું છે. ત્રણ મેચની 3 ઈનિંગમાં મોહમ્મદ રિઝવાને 248 રન બનાવ્યા છે. રિઝવાને પોતીની 3 ઈનિંગમાં 1 સદી અને 1 ફિફ્ટી ફટકારી છે. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 131 રન છે, જે તેણે શ્રીલંકા સામેની મેચમાં બનાવ્યા હતા. આ ઉપરાંત ભારત સામે રિઝવાન 49 રનમાં આઉટ થયો હતો.


  • Follow us on: