- રાષ્ટ્રપતિ મુર્મુએ 26 ખેલાડીને અર્જુન એવોર્ડથી સન્માનિત કર્યા
- વર્લ્ડકપના હિરો શમીને અર્જુન એવોર્ડથી સન્માનિત કરાયા
- શમી અર્જુન એવોર્ડથી સન્માનિત થનાર દેશના 58મા ક્રિકેટર
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં નેશનલ એવોર્ડ સમારોહનું આયોજન કર્યું છે. આ એવોર્ડ સમારોહમાં દેશભરમાંથી ઘણા ખેલાડીઓને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે એવોર્ડ આપવામાં આવ્યા છે. જે ખેલાડીઓ પોતાના દમ પર ટીમને નવી ઉંચાઈઓ પર લઈ ગયા, જે ખેલાડીઓએ ટીમને પોતાના દમ પર ઘણી મેચો જીતાડવી, આવા ઘણા ખેલાડીઓને એવોર્ડ આપવામાં આવ્યા છે. આ ખેલાડીઓમાં ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમી પણ સામેલ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મોહમ્મદ શમીને અર્જુન એવોર્ડથી સન્માનિત કર્યા છે. ખેલ રત્ન વિજેતાઓને 25 લાખ રૂપિયાનું રોકડ પુરસ્કાર આપવામાં આવે છે, જ્યારે અર્જુન અને દ્રોણાચાર્ય પુરસ્કારોમાં 15 લાખ રૂપિયાનું રોકડ પુરસ્કાર આપવામાં આવે છે.
શમીએ વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું
ભારત ભલે ICC વર્લ્ડ કપ 2023 હારી ગયું હોય, પરંતુ મોહમ્મદ શમીએ પોતાના પ્રદર્શનથી બધાને ચોંકાવી દીધા હતા. શમીએ વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લીધી હતી. આ કારણથી તેમને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. શમી ઉપરાંત સ્ટાર શટલર્સ સાત્વિક સાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીને પણ ખેલ રત્ન એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. બંને ખેલાડીઓએ ગયા વર્ષે બેડમિન્ટનમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.
દેશના 58મા ક્રિકેટર
મોહમ્મદ શમી અર્જુન એવોર્ડથી સન્માનિત થનાર દેશના 58મા ક્રિકેટર છે. જેમાં 12 મહિલા ક્રિકેટરો પણ સામેલ છે. શમી પહેલા મહાન ભારતીય ક્રિકેટર સુનીલ ગાવસ્કર, સચિન તેંડુલકર, વિરાટ કોહલી, રોહિત શર્મા, શિખર ધવન અને અન્ય ઘણા ખેલાડીઓને આ સન્માન મળ્યું છે. શિખર ધવનને છેલ્લી વખત 2021માં આ સન્માન આપવામાં આવ્યું હતું. 2022માં કોઈપણ ક્રિકેટર આ એવોર્ડ હાંસલ કરી શક્યો ન હતો, પરંતુ હવે શમીને આ સન્માન મળ્યું છે.
આ ખેલાડીઓને એવોર્ડથી સન્માનિત કરાયા
ખેલ રત્ન એવોર્ડઃ ચિરાગ શેટ્ટી (બેડમિન્ટન) અને સાત્વિકસાઈરાજ રેન્કી રેડ્ડી (બેડમિન્ટન)
અર્જુન એવોર્ડઃ ઓજસ પ્રવીણ દેવતાલે (તીરંદાજી), અદિતિ ગોપીચંદ સ્વામી (તીરંદાજી), શ્રીશંકર (એથ્લેટિક્સ), પારુલ ચૌધરી (એથ્લેટિક્સ), મોહમ્મદ હુસામુદ્દીન (બોક્સર), આર વૈશાલી (ચેસ), મોહમ્મદ શમી (ક્રિકેટ), અનુષ અગ્રવાલ (ઘોડેસવારી ), દિવ્યકૃતિ સિંહ (ઘોડેસવારી ડ્રેસ), દીક્ષા ડાગર (ગોલ્ફ), કૃષ્ણ બહાદુર પાઠક (હોકી), સુશીલા ચાનુ (હોકી), પવન કુમાર (કબડ્ડી), રિતુ નેગી (કબડ્ડી), નસરીન (ખો-ખો), પિંકી (લૉન બોલ્સ), ઐશ્વર્યા પ્રતાપ સિંહ તોમર (શૂટિંગ), ઈશા સિંહ (શૂટિંગ), હરિન્દર પાલ સિંહ (સ્ક્વૉશ), આહિકા મુખર્જી (ટેબલ ટેનિસ), સુનિલ કુમાર (કુસ્તી), અંતિમ (કુસ્તી), રોશિબિના દેવી (વુશુ), શીતલ દેવી (પેરા તીરંદાજી), અજય કુમાર (બ્લાઈન્ડ ક્રિકેટ), પ્રાચી યાદવ (પેરા કેનોઈંગ)