• વર્લ્ડકપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવ્યું
  • ભારતે પ્રથમ બેટિંગ કરતા 240 રન બનાવ્યા
  • અમે બેટિંગમાં વધુ રન નથી બનાવ્યા: મોહમ્મદ શમી

ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ વર્લ્ડકપ 2023ની ફાઇનલમાં ભારતીય ક્રિકેટ ટીમને મળેલી હાર પર મોટી પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું હતું કે ભારતીય ટીમે બેટિંગ કરતી વખતે ઓછા રન બનાવ્યા હતા અને જો 300 રન થયા હોત તો ભારતીય ટીમે આ ટોટલનો આસાનીથી બચાવ કર્યો હોત પરંતુ બેટિંગ દરમિયાન વધુ રન બનાવ્યા ન હતા.

ફાઇનલમાં ભારતની 6 વિકેટે હાર

વર્લ્ડકપ 2023ની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ અમદાવાદમાં ભારતને 6 વિકેટે હરાવ્યું અને છઠ્ઠી વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું. પહેલા રમતા ભારતે 50 ઓવરમાં 240 રનનો સાધારણ સ્કોર બનાવ્યો હતો, જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 43 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને જીત મેળવી હતી અને ભારતીય ફેન્સ ફરી એકવાર નિરાશ થયા હતા. આ મેચમાં ભારતીય ટીમની બેટિંગ ઘણી નબળી રહી હતી. ભારતીય ટીમે વર્લ્ડકપ 2023 દરમિયાન સતત 10 મેચ જીતી હતી પરંતુ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

અમે બેટિંગમાં વધુ રન નથી બનાવ્યા - મોહમ્મદ શમી

મોહમ્મદ શમીએ વર્લ્ડ કપ ફાઇનલમાં હાર માટે બેટ્સમેનોને જવાબદાર ઠેરવ્યા છે. શમીએ કહ્યું કે, અમારી પાસે બચાવ કરવા માટે એટલા રન નહોતા. કાશ અમે 300 રન બનાવ્યા હોત તો અમે સરળતાથી તેનો બચાવ કરી શક્યા હોત. પરંતુ મને નથી લાગતું કે કોઈ એક બાબતને દોષ આપવાની જરૂર છે. અમારે જોવાનું છે કે અમે એક ટીમ તરીકે ક્યાં ઊભા છીએ. જોકે, એક વાત મારે કહેવી જ જોઇએ કે અમે ઓછા રન બનાવ્યા હતા.

ભારતનું વર્લ્ડકપ જીતવાનું સપનું ચકનાચુર

વર્લ્ડકપ 2023માં ભારતીય ટીમે સમગ્ર ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. પરંતુ અંતે ફાઇનલના દબાણમાં ભારતીય ટીમ સંપૂર્ણ પણે વિખરાઇ ગઇ હતી. જેના કારણે ટીમનું ફરી એકવાર વર્લ્ડકપ ટાઇટલ જીતવાનું સપનું અધુરું રહી ગયું હતું.

  • Follow us on: