- મેં પહેલેથી જ મારી નિવૃત્તિનું આયોજન કર્યું હતું- એમએસ ધોની
- એમએસ ધોનીએ તેની છેલ્લી મેચ 2019માં ન્યુઝીલેન્ડ સામે રમી હતી
- વર્લ્ડકપ 2019ની સેમિફાઇનલ મેચમાં ભારત ન્યુઝીલેન્ડ હાર્યં હતું
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ અંગે મોટી પ્રતિક્રિયા આપી છે. તેણે આ અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ભારતીય ટીમ વર્લ્ડકપ 2019ની સેમિફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામે હારી ગઇ હતી. ત્યારબાદ એમએસ ધોનીએ નક્કી કરી લીધું હતુ કે આ તેની આંતરરાષ્ટ્રીય ક્રિકેટની છેલ્લી મેચ છે.
એમએસ ધોનીએ નિવૃતિ અંગે આપી પ્રતિક્રિયા
એમએસ ધોનીએ તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ વર્લ્ડકપ 2019ની સેમીફાઇનલ મેચ રમી હતી. ત્યારથી તે સતત ભારતીય ટીમમાંથી બહાર થઈ રહ્યો હતો. દરમિયાન, તેની નિવૃત્તિ વિશે એવી અટકળો ચાલી રહી હતી કે એમએસ ધોની ટીમમાં પાછો ફરશે નહીં અને તેણે 15 ઓગસ્ટ 2020 ના રોજ સત્તાવાર રીતે તેની પુષ્ટિ કરી હતી. એમએસ ધોનીએ તેના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરીને તેની નિવૃત્તિની જાણકારી આપી હતી.
મેં પહેલેથી નિવૃત્તિનું આયોજન કર્યું
એમએસ ધોનીએ નિવૃતિ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, જ્યારે અમે વર્લ્ડકપ 2019ની સેમિફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામે ખુબજ નજીકથી હારી ગયા હતા. ત્યાર પછી મે નક્કી કરી લીધું હતુ કે આ મારી આંતરરાષ્ટ્રીય ક્રિકેટની છેલ્લી મેચ છે. ભલે મે એક વર્ષ પછી મારી નિવૃત્તિની જાહેરાત કરી હોય, પરંતુ નિવૃત્તિ અંગે મે પહેલેથી જ આયોજન કરી લીધું હતું. જ્યારે પણ ટ્રેનર્સે મને તાલીમ માટે કેટલીક વસ્તુઓ આપી, ત્યારે હું તેમને કહી શકતો ન હતો કે મને હવે તેની જરૂર નથી. કારણ કે તે સમયે હું મારી નિવૃત્તિ વિશે કોઈને કહેવા માંગતો ન હતો. જ્યારે તમે તમારા દેશનું પ્રતિનિધિત્વ કરો છો તો તે મોટી વાત છે. નિવૃત્તિ પછી આ તક મળતી નથી. હવે હું ચોક્કસપણે ભારતીય નાગરિક છું પરંતુ મને ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક નહીં મળે.