- IPL 2024 પહેલા મુંબઈ ઈન્ડિયન્સની મુશ્કેલી વધી
- શ્રીલંકન ફાસ્ટ બોલર દિલશાન મદુશંકા ઈજાગ્રસ્ત
- મુંબઈની ટીમે તેને 4.60 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો
IPL 2024 શરૂ થવામાં હવે થોડા જ દિવસો બાકી છે. પ્રથમ મેચ 22 માર્ચે રમાશે. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ IPL 2024માં તેની પ્રથમ મેચ 24 માર્ચે ગુજરાત ટાઈટન્સ સામે રમશે. મુંબઈ ઈન્ડિયન્સે IPL 2024 પહેલા જ રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યાને કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે. રોહિતની કપ્તાનીમાં મુંબઈએ પાંચ વખત IPL ટ્રોફી જીતી છે. હવે IPL શરૂ થતા પહેલા જ મુંબઈ ઈન્ડિયન્સનો એક સ્ટાર ખેલાડી ઈજાગ્રસ્ત થયો છે. તેનાથી મુંબઈ ઈન્ડિયન્સની મુસીબતો વધી ગઈ છે.
દિલશાન મદુશંકા ઈજાગ્રસ્ત
શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ મેચની વનડે સીરિઝ રમાઈ રહી છે. સીરિઝમાં બે મેચ રમાઈ છે અને સીરિઝ 1-1થી બરાબર છે. પરંતુ સિરીઝની બીજી મેચમાં શ્રીલંકન ટીમનો યુવા ફાસ્ટ બોલર દિલશાન મદુશંકા ઈજાગ્રસ્ત થયો હતો. આ કારણોસર, તે સીરિઝમાં વધુ ભાગ લેશે નહીં. દિલશાન મદુશંકાને બીજી વન-ડેમાં બોલિંગ કરતી વખતે ડાબા હાથની હૅમસ્ટ્રિંગમાં ઈજા થઈ હતી. MRI સ્કેનમાં આ વાતની પુષ્ટિ થઈ છે.
મુંબઈ ઈન્ડિયન્સને લાગ્યો ઝટકો
દિલશાન મદુશંકાની ઈજા મુંબઈ ઈન્ડિયન્સ માટે કોઈ આંચકાથી ઓછી નથી. મુંબઈની ટીમે તેને 4.60 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. જ્યારે તેની મૂળ કિંમત માત્ર 50 લાખ રૂપિયા હતી. હેમસ્ટ્રિંગની ઈજાને કારણે બોલરને એકથી બે અઠવાડિયા સુધી આરામ કરવો પડશે. આવી સ્થિતિમાં તેના માટે IPL 2024ની શરૂઆતની મેચોમાં રમવું મુશ્કેલ લાગે છે.
ODI વર્લ્ડકપમાં જોરદાર પ્રદર્શન
દિલશાન મદુશંકાએ છેલ્લા કેટલાક સમયથી સારું પ્રદર્શન કર્યું છે. ODI વર્લ્ડકપ 2023માં તેણે ભારતીય ટીમ સામે કુલ પાંચ વિકેટ લીધી હતી. તેણે ODI વર્લ્ડકપ 2023ની 9 મેચોમાં કુલ 21 વિકેટ લીધી અને શ્રીલંકાની ટીમ માટે સૌથી મોટી મેચ વિજેતા તરીકે ઉભરી આવ્યો હતો. તેણે શ્રીલંકા માટે 23 ODI મેચોમાં 41 અને 14 T20I મેચમાં 14 વિકેટ લીધી છે. આ સિવાય તેણે એક ટેસ્ટ મેચ પણ રમી છે.