બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝની તૈયારી કરી રહી છે. બાંગ્લા ટાઈગર્સ 21 ઓક્ટોબરથી ઘરઆંગણે સાઉથ આફ્રિકા સામે 2 ટેસ્ટ મેચની સિરીઝ રમશે. બીજી મેચ 29 ઓક્ટોબરથી રમાશે. આ સિરીઝ પહેલા પાકિસ્તાનના પૂર્વ દિગ્ગજ ખેલાડી મુશ્તાક અહેમદ બાંગ્લાદેશ ક્રિકેટ ટીમમાં પ્રવેશી ચૂક્યા છે. તે બાંગ્લાદેશ ક્રિકેટ ટીમમાં મહત્વપૂર્ણ પદ સંભાળવા માટે તૈયાર છે.


બાંગ્લાદેશ ટીમમાં એન્ટ્રી

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝ માટે તેના કોચિંગ સ્ટાફમાં મોટો ફેરફાર કર્યો છે. 54 વર્ષીય પૂર્વ પાકિસ્તાની ખેલાડી મુશ્તાક અહેમદ બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ સાથે સ્પિન બોલિંગ સલાહકાર તરીકે જોડાયા છે. T20 વર્લ્ડકપ 2024 અને પાકિસ્તાન પ્રવાસ દરમિયાન મુશ્તાક અહેમદ પણ ટીમ સાથે હતો. પરંતુ તે ભારત પ્રવાસ માટે ટીમ સાથે નહોતો. મુશ્તાક 19 ઓક્ટોબરે શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં બાંગ્લાદેશની ટીમ સાથે જોવા મળ્યો હતો. આ દરમિયાન તેણે ટીમ સાથે સમય વિતાવ્યો.

બાંગ્લાદેશને તાજેતરમાં ભારત સામે રમાયેલી 2 ટેસ્ટ મેચની સિરીઝમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ સિવાય બાંગ્લાદેશને T20 સિરીઝમાં પણ 3-0થી હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે હવે બાંગ્લા ટાઈગર્સે આફ્રિકા સામેની સિરીઝ જીતવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે.

કોણ છે મુશ્તાક અહેમદ?

54 વર્ષના મુશ્તાક અહેમદે 1989માં પાકિસ્તાન તરફથી ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. તેણે પાકિસ્તાન માટે 52 ટેસ્ટ મેચમાં 185 વિકેટ લીધી છે, જ્યારે 144 વનડે મેચમાં આ ખેલાડીએ 161 બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા છે. મુશ્તાક અહેમદે પાકિસ્તાન માટે છેલ્લી મેચ વર્ષ 2003માં રમી હતી. આ પછી તે સતત કોચિંગ સેટઅપનો હિસ્સો રહ્યો છે.

સાઉથ આફ્રિકા સામે પ્રથમ ટેસ્ટ માટે બાંગ્લાદેશની ટીમ

નઝમુલ હુસૈન શાંતો (કેપ્ટન), શાદમાન ઈસ્લામ, મહમુદુલ હસન જોય, ઝાકિર હસન, મોમિનુલ હક શોરાબ, મુશફિકુર રહીમ, શાકિબ અલ હસન, લિટન દાસ (વિકેટકીપર), ઝાકર અલી અનિક, મેહદી હસન મિરાજ, તૈજુલ ઈસ્લામ, નઈમ હસન, તસ્કીન અહેમદ , હસન મહેમૂદ અને નાહીદ રાણા.


  • Follow us on: