• પાકિસ્તાન ક્રિકેટ ટીમના વાતાવરણ અંગે મોટો ખુલાસો
  • સિનિયર ખેલાડીઓ કારકિર્દી ખતમ થવાના ડરમાં જીવે છે
  • સિનિયર ખેલાડીઓ યોગ્ય રીતે આરામ કરી શકતા નથી

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને ટીમને લઈને દરરોજ નવી માહિતી બહાર આવતી રહે છે. ઘણી વખત ખેલાડીઓ પોતાના ક્રિકેટ બોર્ડ પર ગંભીર આરોપો લગાવતા પણ જોવા મળે છે. હવે પાકિસ્તાન ટીમના એક વર્તમાન ક્રિકેટરે મોટો ખુલાસો કર્યો છે અને કહ્યું છે કે ઘણીવાર ટીમના સિનિયર ખેલાડીઓ ડરમાં રહે છે. દરેક વ્યક્તિને પોતાની કારકિર્દી ખતમ થવાનો ડર હોય છે.

સિનિયર ખેલાડીઓમાં ડર

પાકિસ્તાનના યુવા ફાસ્ટ બોલર નસીમ શાહે આજે ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે પરંતુ તેને હજુ પણ એક વસ્તુનો ડર છે જે તેને યોગ્ય રીતે આરામ કરવા દેતું નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નસીમ શાહે પાકિસ્તાન ક્રિકેટના કલ્ચર વિશે મોટો ખુલાસો કર્યો અને કહ્યું કે સિનિયર ખેલાડીઓ કેમ ડરમાં જીવે છે.

નસીમ શાહે જણાવ્યું હતું કે સિનિયર ખેલાડીઓ યોગ્ય રીતે આરામ કરી શકતા નથી કારણ કે તેઓ જાણે છે કે જો તેઓ એક-બે મેચ ચૂકી જાય અને ટીમમાં નવો ખેલાડી આવે અને સારું પ્રદર્શન કરે તો સિનિયર ખેલાડીને ટીમમાંથી બહાર કરી દેવામાં આવે છે. પાકિસ્તાનની ટીમમાં ભયનું વાતાવરણ છે જે સિનિયર ખેલાડીઓને યોગ્ય રીતે ઈજા બાદ આરામ કરવા દેતું નથી.

નસીમ શાહે PSLમાં કરી વાપસી

ગત વર્ષે નસીમ શાહ ઈજાના કારણે લાંબા સમય સુધી પાકિસ્તાન ટીમની બહાર હતો. ઈજાના કારણે નસીમ વનડે વર્લ્ડકપ 2023 રમી શક્યો ન હતો અને પાકિસ્તાનની ટીમ પણ ટૂર્નામેન્ટમાં નસીમની ખૂબ ખોટ અનુભવી હતી. પરંતુ ઈજા બાદ નસીમે પાકિસ્તાન સુપર લીગ 2024માં શાનદાર વાપસી કરી હતી.

નસીમે આ ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. નસીમ PSLમાં ઈસ્લામાબાદ યુનાઈટેડ તરફથી રમી રહ્યો છે, નસીમે ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી 15 વિકેટ લીધી છે. હવે નસીમ PSL 2024ની ફાઇનલમાં રમતા જોવા મળશે. જે બાદ હવે નસીમ ફરી એકવાર T20 વર્લ્ડકપ માટે પાકિસ્તાન ટીમમાં પોતાની જગ્યા બનાવવા માટે તૈયાર છે.

  • Follow us on: