- ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 8 વિકેટે હરાવ્યું
- નવીન ઉલ હકને જોઈને ફેન્સે લગાવ્યા કોહલી-કોહલીના નારા
- વિરાટ કોહલીએ ફેન્સને નવીન ઉલ હકને ટ્રોલ ન કરવા વિનંતી કરી
દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ રમાઇ હતી. ભારતીય ટીમે અફઘાનિસ્તાનને સરળતાથી આઠ વિકેટે હરાવ્યું હતું. ભારતને મેચ જીતવા માટે 273 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ભારતીય ટીમે 35 ઓવરમાં 2 વિકેટે 273 રન બનાવીને મેચ જીતી લીધી હતી.
વિરાટ કોહલીનો વીડિયો વાયરલ
જો કે આ મેચનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. અરુણ જેટલી સ્ટેડિયમમાં હાજર ક્રિકેટ ફેન્સ અફઘાનિસ્તાનના ખેલાડી નવીન ઉલ હકને સતત ટ્રોલ કરી રહ્યા હતા. આ પછી વિરાટ કોહલીએ ફેન્સને નવીન ઉલ હકની મજાક ન ઉડાવવાનું કહ્યું હતું. ફેન્સે વિરાટ કોહલીની વિનંતી સ્વીકારી હતી અને સ્ટેડિયમમાં મેચ જોઈ રહેલા ફેન્સે નવીન ઉલ હકને ટ્રોલ કરવાનું બંધ કરી દીધું હતું.
કોહલીની સ્ટાઇલે ફેન્સના દિલ જીતી લીધા
વિરાટ કોહલીની સ્ટાઇલે ફેન્સનું દિલ જીતી લીધું હતું. સોશિયલ મીડિયા પર ફેન્સ વિરાટ કોહલીની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. આ સિવાય સોશિયલ મીડિયા યુઝર્સ સતત કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. નવીન ઉલ હક અને વિરાટ કોહલી મેચ દરમિયાન મળ્યા હતા. આ દરમિયાન બંને ખેલાડીઓએ એકબીજાને ગળે લગાવ્યા હતા. મેચ પૂરી થયા બાદ પણ નવીન ઉલ હક અને વિરાટ કોહલીએ મુલાકાત કરી હતી. દરમિયાન બંને ખેલાડીઓ એકબીજા સાથે વાત કરતા જોવા મળ્યા હતા. અગાઉ, જ્યારે અફઘાનિસ્તાન રમી રહ્યું હતું, ત્યારે ફેન્સે 'કોહલી-કોહલી' ના નારા લગાવતા હતા જ્યારે નવીન બેટિંગ કરી રહ્યો હતો.
રવિ શાસ્ત્રીએ આ વીડિયો પર અભિપ્રાય આપ્યો
રવિ શાસ્ત્રીએ આ અદ્ભુત ક્ષણ વિશે કહ્યું કે, રોહિત શર્મા આઉટ થયો અને શ્રેયસ અય્યર મેદાનમાં અવી રહ્યો હતો ત્યારે એક રસપ્રદ ઘટના બની હતી. વિરાટ કોહલી અને નવીન ઉલ હક એકબીજાને ગળે મળ્યા હતા. આ વસ્તુ લોકોને ગમે છે.
વિરાટ અને નવીન વચ્ચે IPLમાં બોલચાલ થઇ હતી
વિરાટ કોહલી અને નવીન ઉલ-હકની લડાઈ IPL દરમિયાન થઈ હતી. બંને વચ્ચેની લડાઈના સમાચાર અને વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયા હતા. આ લડાઈ બાદથી ફેન્સ કોહલી અને નવીન ઉલ-હકના આમને-સામને આવવાની રાહ જોતા હતા. આ પહેલાં પણ અફઘાનિસ્તાન વર્લ્ડકપની પ્રથમ મેચ રમ્યું હતું, ત્યારે વિરાટ કોહલીના ફેન્સે તેને ગુસ્સો અપાવવાનો પ્રયાસ કર્યો હતો.