- પેરિસ ઓલિમ્પિકમાં નીરજ ચોપરા સિલ્વર મેડલ જીત્યો હતો
- સિલ્વર મેડલ જીત્યા પછી બ્રાન્ડ વેલ્યુમાં થશે ધરખમ વધારો
- નીરજ ચોપરાની બ્રાન્ડ વેલ્યુમાં 50 ટકાનો વધારો થઈ શકે
પેરિસ ઓલિમ્પિકમાં નીરજ ચોપરા સિલ્વર મેડલ જીત્યો હતો. પરંતુ તેનો મેડલ ગોલ્ડમાં રૂપાંતરીત થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. નીરજ ચોપરાએ સિલ્વર મેડલ જીત્યો છતાં પણ તેને આ મેડલે ગોલ્ડ મેડલ જેવી સફળતા અપાવી છે. એહેવાલો અનુસાર નીરજ ચોપરાએ પેરિસમાં સિલ્વર મેડલ જીત્યા પછી, તેની નેટવર્થ, બ્રાન્ડ વેલ્યુ અને એન્ડોર્સમેન્ટ પોર્ટફોલિયોમાં ધરખમ વધારો થવાનો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે નીરજ ચોપરાનો એન્ડોર્સમેન્ટ પોર્ટફોલિયો આ વર્ષે 32-34 સુધી પહોંચી શકે છે.
નીરજ ચોપરાને લઈ મોટા સમાચાર
એક રિપોર્ટ અનુસાર, નીરજ ચોપડા હાલમાં 24 બ્રાન્ડ્સને એન્ડોર્સ કરી રહ્યા છે અને ટૂંક સમયમાં તેમની 6થી 8 નવી બ્રાન્ડ્સ સાથે ડીલ થઈ શકે છે. મતલબ કે આ આંકડો 32 થી 34 સુધી પહોંચી શકે છે. મોટી વાત એ છે કે આ બ્રાન્ડ્સમાં અમેરિકન સ્પોર્ટ્સ વેર કંપની અંડર આર્મર અને સ્વિસ વોચ કંપની ઓમેગા પણ સામેલ છે. જો નીરજ ચોપડા સાથે 6 થી 8 નવી બ્રાન્ડ જોડાય તો આ ખેલાડી ઘણા મોટા ભારતીય ક્રિકેટરોને પાછળ છોડી દેશે. રિપોર્ટ અનુસાર, હાર્દિક પંડ્યા જેવો લોકપ્રિય ખેલાડી 20 કંપનીઓનો બ્રાન્ડ એમ્બેસેડર છે અને તે ડીલ ફી તરીકે 2.5 કરોડ રૂપિયા લે છે તો બીજી તરફ નીરજ ચોપરા તેના તમામ એન્ડોર્સમેન્ટ માટે વાર્ષિક 3 કરોડ રૂપિયા લે છે. જે વધીને 4.5 કરોડ સુધી પહોંચી શકે છે.
બ્રાન્ડ વેલ્યુમાં થશે ધરખમ વધારો
એક રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આ વર્ષના અંત સુધીમાં નીરજ ચોપરાની બ્રાન્ડ વેલ્યુ પણ લગભગ 50 ટકા વધી શકે છે. હાલમાં નીરજ ચોપરાની બ્રાન્ડ વેલ્યુ 29.6 મિલિયન ડોલર એટલે કે 248 કરોડ સુધી છે. જો આ વર્ષના અંત સુધીમાં તેની બ્રાન્ડ વેલ્યુમાં 50 ટકાનો વધારો થાય તો તે 377 કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. તે સ્પષ્ટ છે કે નીરજ ચોપરાને સિલ્વર મેડલ જીત્યા બાદ આટલો ફાયદો થઈ રહ્યો છે, તો કલ્પના કરો કે જો તે ગોલ્ડ જીત્યો હોત તો શું થાત. જોકે, નીરજ ચોપરા માત્ર 26 વર્ષનો છે અને હવે તેનું લક્ષ્ય 2028 લોસ એન્જલસ ઓલિમ્પિકમાં દેશ માટે ગોલ્ડ જીતવાનું રહેશે.