- નીલ વેગનરની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ
- ન્યૂઝીલેન્ડ માટે અત્યાર સુધીમાં 64 ટેસ્ટ મેચ રમી
- જેમાં નીવલ વેગનરે 260 વિકેટ પોતાના નામે કરી
ન્યુઝીલેન્ડની ટીમને હાલમાં જ તેના જ ઘરઆંગણે T20 સીરિઝમાં ઓસ્ટ્રેલિયાના હાથે 3-0થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી, ન્યુઝીલેન્ડના સ્ટાર ખેલાડીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ન્યુઝીલેન્ડના સ્ટાર ફાસ્ટ બોલર નીલ વેગનરે પોતાની 12 વર્ષની ક્રિકેટ કારકિર્દીનો અંત લાવવાનો નિર્ણય લીધો છે.
એક અહેવાલ મુજબ, ન્યુઝીલેન્ડના અનુભવી ફાસ્ટ બોલર નીલ વેગનરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે અને તે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરિઝમાં તે પોતાની છેલ્લી મેચ રમશે. બે મેચોની ટેસ્ટ સીરિઝ ગુરુવારથી શરૂ થશે અને પ્રથમ મેચ વેલિંગ્ટનમાં રમાશે જ્યારે બીજી મેચ ક્રાઈસ્ટચર્ચમાં રમાશે. આ સમાચાર સામે આવ્યા બાદ ક્રિકેટ ચાહકોને મોટો ઝટકો લાગ્યો છે.
નીલ વેગનરે શું કહ્યું?
પોતાની નિવૃત્તિની જાહેરાત કરતા વેગનેરે કહ્યું, "જેણે તમને ઘણું બધું આપ્યું છે અને જેમાંથી તમે ઘણું બધું પ્રાપ્ત કર્યું છે તેનાથી દૂર જવું સરળ નથી, પરંતુ હવે સમય આવી ગયો છે કે અન્ય લોકો આગળ આવે અને આ ટીમને આગળ લઈ જાય. " મેં બ્લેકકેપ્સ માટે ટેસ્ટ ક્રિકેટ રમવાની દરેક ક્ષણનો આનંદ માણ્યો છે અને એક ટીમ તરીકે અમે જે હાંસલ કર્યું છે તેના પર મને ગર્વ છે. વેગનેરે વધુમાં જણાવ્યું હતું કે, "હું મારી સમગ્ર કારકિર્દી દરમિયાન બનેલી મિત્રતા અને સબંધોની કદર કરીશ અને હું આજે જ્યાં છું ત્યાં સુધી મને પહોંચાડવામાં ભૂમિકા ભજવનાર દરેકનો આભાર માનું છું." મારા ટીમના સાથીઓએ હંમેશા મારા માટે ઘણા મહત્વના છે અને હું હંમેશા ટીમ માટે જે શ્રેષ્ઠ હોય તે કરવા માંગતો હતો.
નીલ વેગનરની ક્રિકેટ કારકિર્દી
નીલ વેગનરે ન્યૂઝીલેન્ડ માટે અત્યાર સુધીમાં 64 ટેસ્ટ મેચ રમી છે. જેમાં વેગનરે 260 વિકેટ પોતાના નામે કરી લીધી છે. આ સિવાય નીલ વેગનરે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 205 મેચમાં 821 વિકેટ લીધી હતી. વેગનરે 86 T20 મેચમાં 95 વિકેટ લીધી હતી.