શ્વાન , બિલાડી કે પછી વાંદરા જેવા પ્રાણીઓ આમતો ભારતીય રહેણાંક વિસ્તારોમાં ખૂબ સામાન્ય હોય છે, પરંતુ ઘણીવાર આવા પ્રાણીઓ હિંસક થઈ જતાં માનવજીવન માટે ખરા અર્થમાં મોટો ખતરો સાબિત થઈ શકે છે અને આ બાબત ભારતીય ટીમના સ્ટાર ખેલાડી એવા રિંકુ સિંહ સિવાય કોઈ સારી રીતે નહીં સમજી શકતું હોય.
રિંકુ સિંહે બાળપણની ઘટના યાદ કરી
એશિયા કપ 2025 અંતર્ગત ટીમ ઈન્ડિયા તરફથી રમવા માટે હાલ ભારતીય ટીમના સ્ટાર ખેલાડી એવા રિંકુ સિંહ યુએઈમાં છે. એશિયા કપ 2025 માં ભારત પોતાની પહેલી મેચ રમે એ પહેલા ટીમ ઈન્ડિયાના સ્ટાર ફિનિશર એવા રિંકુ સિંહે તેમના બાળપણ સાથે જોડાયેલ એક વિચિત્ર ઘટના અંગે ચોંકાનારો ખુલાસો કર્યો છે. આ ઘટનામાં એક પ્રાણીએ તેના હાથનું માંસ ખેંચી લીધું હતું અને ઘટનાને કારણે રિંકુ સિંહના હાથનું વજન પણ ખૂબ ઉતરી ગયું હતું.
વાંદરાએ રિંકુ સિંહના હાથનું વજન ઘટાડ્યું
રિંકુ સિંહે એશિયા કપ માટે યુએઈ જતા પહેલા એક પૉડકાસ્ટ ચેનલમાં તેનો ઇન્ટરવ્યુ આપ્યો હતો અને તેમના બાળપણ સાથે જોડાયેલ આ ઘટના વિશે વિસ્તાર પૂર્વક વાત કરી હતી. રિંકુ સિંહના જણાવ્યા મુજબ બાળપણમાં વરસાદ દરમિયાન તે તેના ભાઈ સાથે ખેતરોમાં જઈ રહ્યો હતો. ત્યારે એક વાંદરો આવ્યો અને તેના ડાબા હાથને મોંથી પકડી લીધો. તે સમયે રિંકુ સિંહ પાસે તેને બચાવવા માટે કોઈ નહોતું. તેના ભાઈએ પથ્થરો ફેંકીને વાંદરાને ભગાડવાનો પ્રયાસ કર્યો. પરંતુ તે ખસવા તૈયાર નહોતો. અને, જ્યારે વાંદરો તેને છોડી ગયો, ત્યારે તેના હાથમાંથી ઘણું માંસ નીકળી ગયું હતું.
બીજા હાથ કરતા 1 કિલો ઓછું વજન
બાળપણમાં વરસાદ દરમિયાન વાંદરાએ રિંકુ સિંહ પર કરેલ આ હુમલાની અસર એ થઈ કે NCA ખાતે તેના હાથનું DEXA સ્કેન કરાવતા ખબર પડીકે વાંદરાએ જે ડાબા હાથમાં બચકું ભર્યું હતું ત્યાંથી 1 કિલો વજન ઓછું થઈ ગયું છે. રિંકુ સિંહ તરફથી પોડકાસ્ટમાં એ વાત પણ સ્વીકારવામાં આવી કે બાળપણની એ ઘટના બાદ ડાબા હાથથી એટલું વજન ઉપાડી શકતો નથી જેટલું તે તેના જમણા હાથથી ઉપાડી શકે છે.