ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ખેલાડીઓના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટા ફેરફારો કરી શકે છે. BCCI ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ માટે A+ કેટેગરી દૂર કરે તેવી ચર્ચાએ જોર પકડયું છે. અજિત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિ સમક્ષ આ મામલે પ્રસ્તાવ રજૂ કરાયા છે. જો કે, એવું માનવામાં આવે છે કે બોર્ડના ઉચ્ચ અધિકારીઓને હજુ સુધી આ પ્રસ્તાવો મળ્યા નથી અને આગામી બેઠકમાં તેના પર ઔપચારિક ચર્ચા કરવામાં આવશે.
A+ કેટેગરીને લઈને થઈ શકે મોટો બદલાવ
સૂત્ર દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ ટૂંક સમયમાં BCCIની એપેક્સ કાઉન્સિલની બેઠક યોજાવાની છે. આ બેઠકમાં A+ કેટેગરીને લઈને મોટો નિર્ણય લઈ શકે છે. એપેક્સ કાઉન્સિલની આગામી બેઠકમાં ભારતીય પુરુષ ટીમના કેન્દ્રીય કરાર માટે ગ્રેડિંગ સિસ્ટમમાં ફેરફારની શક્યતા અંગે પસંદગી સમિતિ સાથે મહત્વની ચર્ચા થઈ શકે છે. એપેક્સ કાઉન્સિલની બેઠક તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
BCCIની A+ ગ્રેડ દૂર કરશે તેવી ચર્ચા
મીડિયામાં અત્યારે ચર્ચા છે કે અજિત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિએ કેન્દ્રીય કરારમાંથી A+ ગ્રેડ દૂર કરવાની યોજના બનાવી રહી છે. જોકે, અંતિમ નિર્ણય અને ત્યારબાદના કોઈપણ નાણાકીય ફેરફારો એપેક્સ કાઉન્સિલની બેઠક દ્વારા મંજૂરી મળ્યા પછી જ લાગુ કરવામાં આવશે. દરમિયાન BCCIના સૂત્રોએ મંગળવારે જણાવ્યું હતું કે પાંચ સભ્યોની પસંદગી સમિતિએ કેટલાક પ્રસ્તાવો રજૂ કર્યા છે.
એપેક્સ કાઉન્સિલની બેઠક મહત્વની રહેશે
સંભવત આ પ્રસ્તાવમાં A+ ગ્રેડ હટાવવાની દરખાસ્ત પણ કરવામાં આવી હોઈ શકે. જો કે આ મામલે હજુ સુધી બીસીસીઆઈ તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. જો બીસીસીઆઈ A+ કેટેગરી હટાવશે તો વિરાટ કોહલી, રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહ જેવા સ્ટાર ખેલાડીને મોટો ફટકો પડી શકે છે. જોકે A+ કેટેગરી મામલે અંતિમ નિર્ણય બેઠક બાદ જ જાણવા મળશે. આ ઉપરાંત ખેલાડીઓને લઈને કોઈપણ નાણાકીય ફેરફારો એપેક્સ કાઉન્સિલની બેઠક દ્વારા મંજૂરી મળ્યા પછી જ લાગુ કરવામાં આવશે.આમ, આ વખતે એપેક્સ કાઉન્સિલની બેઠક મહત્વની રહેશે.