ભારતીય ટીમનો સ્ટાર બેટ્સમેન ઈશાન કિશન આજે પોતાનો 26મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. ભારતીય બેટ્સમેન ઈશાન કિશન શિરડીના શ્રી સમાધિ મંદિરમાં આશીર્વાદ લેવા ગયો હતો. ઈશાન કિશનએ સોશિયલ મીડિયા પર મંદિરની તસવીરો શેર કરી છે. આ વર્ષ ઈશાન કિશન માટે ખૂબ જ નિરાશાજનક રહ્યું છે. ગયા વર્ષ સુધી ભારતીય ટીમ માટે ત્રણેય ફોર્મેટમાં સ્થાન મેળવનાર ઈશાન કિશન 2024માં એક પણ આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો નથી. આ વર્ષની શરૂઆતમાં, શ્રેયસ ઐયર સાથે કિશનને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના કેન્દ્રીય કરારમાંથી બહાર રાખવામાં આવ્યો હતો.


ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન ઈશાન કિશને ઈન્સ્ટાગ્રામ પર મંદિરની તસવીરો શેર કરી અને લખ્યું, "શ્રદ્ધા અને સબુરી." BCCIની ચેતવણી છતાં ઘરેલુ ક્રિકેટ ન રમવા બદલ શ્રેયસ ઐયર અને ઈશાનને ભારે કિંમત ચૂકવવી પડી. વાર્ષિક કેન્દ્રીય કરારમાંથી બહાર રહીને બંનેને આની કિંમત ચૂકવવી પડી. ઈશાન કિશને ગયા વર્ષે સાઉથ આફ્રિકા પ્રવાસ દરમિયાન માનસિક થાકને કારણે વિરામ માગ્યો હતો. ત્યારબાદ તે ટીમમાં સ્થાન મેળવી શક્યો ન હતો. તેણે ગયા વર્ષે નવેમ્બરમાં ભારત માટે છેલ્લી T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી.

ઈશાન કિશનનો જન્મ ક્યાં થયો?


ભારતના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઇશાન કિશનનો જન્મ 18 જુલાઈ 1998 ના રોજ બિહારની રાજધાની પટનામાં થયો હતો. ઇશાન કિશનના પિતાનું નામ પ્રણવ કુમાર પાંડે છે, જે વ્યવસાયે બિલ્ડર છે અને તેની માતા સુચિત્રા સિંહ ગૃહિણી છે. ઇશાનનો એક મોટો ભાઈ પણ છે જેનું નામ રાજ કિશન છે. ઇશાનની જેમ, રાજ કિશન પણ ક્રિકેટ રમતો હતો અને ઘરેલુ ક્રિકેટ રમી ચૂક્યો છે. હાલમાં રાજ વ્યવસાયે ડૉક્ટર છે. ઇશાન કિશનને ક્રિકેટમાં કરિયર બનાવવા માટે તેના પરિવાર દ્વારા સંપૂર્ણ ટેકો મળ્યો હતો.  

ઈશાન કિશનના પિતા

પિતાનું નામ પ્રણવ કુમાર પાંડે છે, જે પટનામાં બિલ્ડર તરીકે કામ કરતા હતા. ઈશાનના કોચ ઉત્તમ મજુમદારે પ્રણવ કુમારને કહ્યું હતું કે તેમણે તેમના પુત્રને ક્યારેય ક્રિકેટ રમવાથી ન રોકવો જોઈએ કારણ કે તેમને વિશ્વાસ હતો કે કિશન ભવિષ્યમાં મોટો ખેલાડી બનશે. રિપોર્ટ મુજબ, આઈપીએલ હરાજીના દિવસે ઈશાનના પિતા એટલા ગભરાઈ ગયા હતા કે તેમનું બ્લડ પ્રેશર ખૂબ વધી ગયું હતું અને તેમને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. જોકે, જ્યારે તેમને ખબર પડી કે કિશનને આઈપીએલ કોન્ટ્રાક્ટ મળ્યો છે, ત્યારે તેઓ સ્વસ્થ થઈ ગયા.

ઈશાન કિશનના માતા

ઇશાન કિશનની માતાનું નામ સુચિત્રા સિંહ છે, જે ગૃહિણી છે. જ્યારે ઇશાનને 12 વર્ષની ઉંમરે રાંચીમાં સ્થાયી થવું પડ્યું જેથી તે ઉચ્ચ લેવલે રમી શકે, ત્યારે તે થોડા નિરાસ હતા પરંતુ પછી થી તેઓ સેટ થવા લાગ્યા હતા. પરંતુ જ્યારે તેના દીકરાએ ઇંગ્લેન્ડ સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું, ત્યારે તે ખૂબ જ ખુશ હતા. એક ઇન્ટરવ્યુમાં સુચિત્રાએ જણાવ્યું હતું કે જ્યારે ઇશાન તેના આંતરરાષ્ટ્રીય કરિયરમાં પહેલીવાર બેટિંગ કરવા આવ્યો ત્યારે તે ભગવાનને પ્રાર્થના કરી રહી હતી. તેને તેના દીકરાના ડેબ્યૂ પર ગર્વ હતો.

ઈશાન કિશનનો ભાઈ

ઈશાન કિશનનો એક મોટો ભાઈ છે જેનું નામ રાજ કિશન છે. રાજ પણ શરૂઆતમાં ક્રિકેટર બનવા માંગતો હતો, પરંતુ પરિવારના દબાણને કારણે તેણે ક્રિકેટ છોડી દીધું. એક મુલાકાતમાં રાજે જણાવ્યું હતું કે તેના પરિવારે સલાહ આપી હતી કે બે ભાઈઓમાંથી એકે તેના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. પરિણામે, રાજ હાલમાં ડૉક્ટર છે. રાજ ક્રિકેટર ન બની શક્યો હોવા છતાં, તેણે તેના નાના ભાઈ ઈશાનને તેની ક્રિકેટ સફરમાં સંપૂર્ણ ટેકો આપ્યો છે.


  • Follow us on: