ICC એ ફરી એકવાર રેન્કિંગ જાહેર કર્યું છે. T20 વર્લ્ડ કપ 2026 પછી આ પહેલું રેન્કિંગ છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના બેટ્સમેનનો જલવો ફરી એકવાર દેખાઈ રહ્યો છે. ઈશાન કિશને લાંબી છલાંગ લગાવી બીજા નંબર પર સ્થાન મેળવ્યું છે. હવે, નંબર વન પર અભિષેક શર્માનું સ્થાન ખતરામાં છે. સંજુ સેમસન પણ પોતાના ઉત્તમ પ્રદર્શનને કારણે ઉપર છલાંગ લગાવવામાં સફળ રહ્યો છે. સૂર્યકુમાર યાદવ અને તિલક વર્માને થોડું નુકસાન થયું છે.
ICC T20 રેન્કિંગમાં અભિષેક શર્મા નંબર વન બેટ્સમેન
T20 વર્લ્ડ કપ 2026 પછી ICC એ નવી T20 રેન્કિંગ જાહેર કરી છે. અભિષેક શર્મા નંબર વન બેટ્સમેન રહ્યો છે. જોકે, હવે તેનું સ્થાન ખતરામાં છે, કારણ કે પહેલા અને બીજા ક્રમના બેટ્સમેન વચ્ચે હવે વધુ અંતર નથી. અભિષેક શર્માનું રેટિંગ 875 છે. તેના પછી ઈશાન કિશન આવે છે, જે આ વખતે બે સ્થાન આગળ વધીને 871 પર પહોંચી ગયો છે. આનો અર્થ એ થયો કે પહેલા અને બીજા ક્રમના બેટ્સમેન વચ્ચે ફક્ત ચાર પોઈન્ટનું અંતર છે.
સાહિબજાદા ફરહાન અને ફિલ સોલ્ટ મોટું નુકસાન
પાકિસ્તાનના ઓપનિંગ બેટ્સમેન સાહિબજાદા ફરહાન એક સ્થાન નીચે ઉતરીને ત્રીજા સ્થાને પહોંચી ગયા છે. તેનું વર્તમાન રેટિંગ 848 છે. ઈંગ્લેન્ડના ફિલ સોલ્ટ પણ એક સ્થાન નીચે ઉતર્યા છે. તે 792 રેટિંગ સાથે ચોથા ક્રમે છે. શ્રીલંકાના પથુમ નિસાન્કા પાંચમા ક્રમે યથાવત છે. ન્યુઝીલેન્ડના ટિમ સીફર્ટે આ વખતે નોંધપાત્ર સુધારો કર્યો છે. તેઓ ચાર સ્થાન આગળ વધીને છઠ્ઠા ક્રમે પહોંચી ગયા છે, તેમનું રેટિંગ 749 છે. ભારતના તિલક વર્મા પણ આ વખતે એક સ્થાન નીચે ઉતર્યા છે. તેઓ હવે સાતમા ક્રમે છે. દક્ષિણ આફ્રિકાના ડેવાલ્ડ બ્રેવિસ આઠમા ક્રમે છે. ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ પણ બે સ્થાન નીચે ઉતરીને નવમા ક્રમે આવી ગયા છે. તેમનું રેટિંગ 722 છે. ઈંગ્લેન્ડના જોસ બટલર 716 રેટિંગ સાથે દસમા ક્રમે છે.
સંજુ સેમસને લગાવી મોટી છલાંગ
સંજુ સેમસને આ વખતે 18 સ્થાનની છલાંગ લગાવી 22 માં ક્રમે પહોંચી ગયો છે. સંજુએ 2026 ના T20 વર્લ્ડ કપની છેલ્લી ત્રણ મેચમાં 80 થી વધુ રન બનાવ્યા હતા. આ તેના રેન્કિંગમાં ફાળો આપી રહ્યું હોય તેવું લાગે છે.
આ પણ વાંચો - T20 વર્લ્ડકપ જીત્યા બાદ છલકાયું ગૌતમ ગંભીરનું દર્દ! કહ્યું- 'ખરાબ સમયમાં ફક્ત એક જ વ્યક્તિ...'