ભારતીય ટીમની ઐતિહાસિક જીત પર મહિલા ક્રિકેટર મિથાલી રાજે પોતાના ટ્વીટર એકાઉન્ટ ભાવુક પોસ્ટ શેર કરી છે. મિથાલીએ લખ્યું કે મેં બે દાયકાથી વધુ સમયથી આ સ્વપ્ન જોયું છે કે ભારતીય મહિલાઓ વર્લ્ડ કપ ટ્રોફી કેવી રીતે ઉપાડે છે. આખરે આજે રાત્રે, તે સ્વપ્ન સાકાર થયું. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ODI વર્લ્ડ કપ જીતીને ઇતિહાસ રચ્યો. ભારતીય મહિલા ટીમે ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને 52 રનથી હરાવી શાનદાર જીત મેળવી. હરમન પ્રીત કૌરની સેનાએ આ અદ્ભૂત સિદ્ધિ મેળવતા સમગ્ર દેશમાં આજે ખુશીનો માહોલ છે. પીએમ મોદીથી લઈને અનેક રાજનેતાઓ તેમજ બોલીવુડ સેલેબ્સે ભારતીય ટીમની આ સફળતાને લઈને અભિનંદન આપ્યા હતા.



મિથાલી રાજની ભાવુક પોસ્ટ

મિથાલી રાજે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર લખ્યું કે 2005માં ચેમ્પિયન બનવાની અમે છેક નજીક હતા. કમનસીબએ અમે વર્લ્ડ ચેમ્પિયનની ટ્રોફી જીતી ના શકયા. આ હૃદયભંગથી લઈને 2017ની લડાઈ સુધી, દરેક આંસુ, દરેક બલિદાન, દરેક યુવતી જેણે બેટ ઉપાડ્યું હતું અને માન્યું હતું કે અમે અહીં છીએ, તે બધું જ આજે આ ક્ષણ તરફ દોરી ગયું. વિશ્વ ક્રિકેટના નવા ચેમ્પિયનોને ઉદેશીને લખ્યું કે તમે ફક્ત ટ્રોફી જીતી નથી, તમે ભારતીય મહિલા ક્રિકેટ માટે ધબકતા કરોડો લોકોનું હૃદય જીતી લીધું છે. આ જીત તમામ મહિલાઓને રમત ક્ષેત્રમાં આવવા પ્રેરણા બનશે. જણાવી દઈએ કે મિથાલી રાજ એક ભૂતપૂર્વ મહિલા ક્રિકેટર છે. મહિલા ક્રિકેટમાં મિથાલી રાજના આવ્યા બાદ આ રમત નવી ઉંચાઈએ પહોંચી છે. મિથાલી રાજ મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. 

જાણો કોણ છે મિથાલી રાજ

ભૂતપૂર્વ મહિલા ક્રિકેટર ESPN એ મિથાલી રાજને સર્વકાલીન મહાન મહિલા ક્રિકેટરોમાંની એક તરીકે સ્થાન આપ્યું છે. મિથાલી રાજે ભારતીય મહિલા ક્રિકેટમાં અદ્ભૂત પ્રદર્શન કર્યું છે. તેમના આ સફળ ક્રિકેટ પ્રદર્શનને લઈને મિથાલીને અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારો પ્રાપ્ત થયા છે. જેમાં 2017માં વિઝડન લીડિંગ વુમન ક્રિકેટર ઇન ધ વર્લ્ડ, 2003માં અર્જુન એવોર્ડ, 2015માં પદ્મશ્રી અને 20121માં મેજર ધ્યાનચંદ ખેલ રત્નના પુરસ્કારનો સમાવેશ થાય છે. મિથાલી રાજ મહિલા વન ડે ઇન્ટરનેશનલ (WODI) મેચમાં 7,000 રનનો આંકડો પાર કરનાર એકમાત્ર મહિલા ક્રિકેટર છે. અને ODIમાં સતત સાત 50 રન બનાવનારી પ્રથમ મહિલા ખેલાડી છે. મિથાલીએ WODI માં સૌથી વધુ અડધી સદીનો રેકોર્ડ પણ કર્યો છે. 8 જૂન 2022ના રોજ મિથાલી રાજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.


  • Follow us on: