એશિયા કપ 2025ની શરૂઆત હવે આવતા મહિનાની 9મી તારીખથી થઇ રહી છે. આ વખતે એશિયા કપ ટી20 ફોર્મેટમાં હશે અને આ મેચો સંયુક્ત આરબ અમીરાત ના બે શહેરો, અબુ ધાબી અને દુબઈમાં રમાશે. ભારતીય ક્રિકેટ ટીમના એશિયા કપમાં પાકિસ્તાન, ઓમાન અને યુએઇની સાથે ગ્રુપ એમાં રાખવામાં આવ્યા છે. જ્યારે શ્રીલંકા, બાંગ્લાદેશ, અફગાનિસ્તાન અને હોંગ કોંગ ગ્રુપ બીમાં છે.
સૂર્યકુમાર યાદવનું કરાયું હતુ ઓપરેશન
એશિયા કપ 2025 માટે ભારતીય ટીમ સામે નવી મુશ્કેલી ઊભી થઇ શકે છે. ટીમના વર્તમાન T20I કેપ્ટન સુર્યકુમાર યાદવ હજુ સુધી સંપૂર્ણ રીતે ફિટ થયા નથી. થોડા સમય પહેલા જર્મનીમાં તેમના સ્પોર્ટ્સ હર્નિયાનું ઓપરેશન થયુ હતું. હાલમાં તેઓ નેશનલ ક્રિકેટ એકેડેમીના રિહેબમાં છે.જોકે એવી અપેક્ષા છે કે સૂર્યકુમાર યાદવ ટુર્નામેન્ટ પહેલા સંપૂર્ણપણે ફિટ થઈ જશે.
આ 3 નામ મોખરે
શુભમન ગિલ
સૌથી પહેલા નામ આવે છે ટેસ્ટ ટીમના કેપ્ટન શુભમન ગિલ. રોહિત શર્માના T20 રિટાયરમેન્ટ પછી સુર્યકુમારને કેપ્ટન બનાવવામાં આવ્યા હતા અને ગિલને વાઇસ કેપ્ટન. તેઓએ ઝિમ્બાબ્વે પ્રવાસ દરમિયાન ટીમની કેપ્ટનશિપ પણ કરી હતી. જોકે શુભમન ગિલે જુલાઈ 2024 પછી કોઈ T20 મેચ ભારત માટે રમ્યો નથી.
અક્ષર પટેલ
ઓલરાઉન્ડર અક્ષર પટેલ પણ આ દાવેદારીમાં છે. તેમને આ વર્ષે ઈંગ્લેન્ડ સામેની ઘરેલુ T20 સીરીઝ માટે વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ IPL 2025માં દિલ્હી કેપિટલ્સનું નેતૃત્વ પણ કર્યું હતું, જો કે ટીમ પ્લેઑફ સુધી પહોંચી શકી નહોતી. સાથે કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી અને વોશિંગ્ટન સુંદર જેવા સ્પિનર્સ વધુ અસરકારક સાબિત થઈ રહ્યા છે. જેના કારણે અક્ષરની પ્લેઇંગ-11માં જગ્યા પણ પુરી ખાતરીપૂર્ણ નથી. તેમ છતાં જો તેમને કેપ્ટનશિપ મળે છે તો આશ્ચર્યની વાત નથી.
હાર્દિક પંડ્યા
ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ વ્હાઈટ બોલ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન આપ્યું છે, T20 વર્લ્ડ કપ 2024માં ટીમના વાઇસ કેપ્ટન રહ્યા હતા. જો કે રોહિત શર્માના રિટાયર થયા પછી પણ તેમને કેપ્ટન બનાવવામાં નથી આવ્યા. હાર્દિકે IPLમાં ગુજરાત ટાઈટન્સને પોતાની કેપ્ટનશિપ હેઠળ ચેમ્પિયન બનાવ્યા હતા.