ટીમ ઇન્ડિયાએ ન્યુઝીલેન્ડ સામેની સિરીઝમાં શાનદાર શરૂઆત કરી. ન્યુઝીલેન્ડ અને ભારત 3 મેચની સીરીઝની પ્રથમ મેચ વડોદરામાં રમાઈ હતી. ગઈકાલે વડોદરામાં ન્યુઝીલેન્ડ સામેની મેચ વધુ રસપ્રદ રહી. 50મી ઓવર સુધી સ્ટેડિયમમાં દર્શકો પોતાની સીટ પરથી ઉભા ના થઈ શકયા. આખરે ટીમ ઇન્ડિયાએ ન્યૂઝીલેન્ડ સામેની પહેલી વનડેમાં ચાર વિકેટથી વિજય મેળવ્યો. ભારતની મોટી જીત છતાં ટીમ ઇન્ડિયાને ફટકો પડયો છે. ઇજા છતાં અંત સુધી સાથ આપનાર ખેલાડી વોશિંગ્ટન સુંદર ટીમ ઇન્ડિયામાંથી આઉટ થઈ શકે છે.
વોશિંગટન સુંદર ટીમ ઇન્ડિયામાંથી થઈ શકે બહાર
ન્યુઝીલેન્ડ સામે જીત મેળવ્યા બાદ ભારતનો આ સ્ટાર ખેલાડી વોશિંગટન ઇજાના કારણે સીરીઝની બાકીની મેચ ગુમાવી શકે છે. વોશિંગટન સુંદર પહેલા દાવમાં બોલિંગ કરતી વખતે ઇજાગ્રસ્ત થયો હતો. વોશિંગટને જયારે ન્યુઝીલેન્ડ સામે બોલિંગ કરતો હતો ત્યારે અચાનક ખેંચાણનો સામનો કરવો પડ્યો. લોર્ડ્સ ટેસ્ટ તથા માન્ચેસ્ટરમાં શાનદાર પ્રદર્શન કરનાર વોશિંગટન સુંદર ઈજાને કારણે ન્યુઝી લેન્ડ શ્રેણીની બાકીની બે મેચમાંથી બહાર થઈ શકે છે તેવુ ક્રિકેટ વર્તુળમાં ચર્ચાઈ રહ્યું છે.
પ્રથમ મેચમાં જ વોશિંગટ ઇજાગ્રસ્ત
ઈન્ડિયાના ફાસ્ટ બોલર હર્ષિત રાણાએ સુંદરની ઈજા અંગે અપડેટ આપતા કહ્યું કે તેને સાઇડ સ્ટ્રેનનો સામનો કરવો પડ્યો છે. સુંદર પહેલી વનડેમાં ઇજાગ્રસ્ત થતા ટીમ ઈન્ડિયા માટે 5 ઓવર નાખી શક્યો હતો, જેમાં તેણે 27 રન આપ્યા હતા. જોકે, સુંદર અસ્વસ્થતા હોવા છતાં ટીમ ઈન્ડિયા માટે બેટિંગ કરવા પાછો ફર્યો હતો. કે.એલ. રાહુલને અંત સુધી સાથ આપ્યો અને સિંગલ રન લેતા રહ્યા. આખરે રાહુલે છેલ્લી ઓવરમાં જોરદાર બેટિંગ કરી ટીમ ઇન્ડિયાને જીત અપાવી.
ભારતે પ્રથમ મેચ જીતી
મહત્વનું છે કે વડોદરાના કોટમ્બીમાં ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ મેચમાં કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને ન્યૂઝીલેન્ડને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. કિવી ટીમે પ્રથમ દાવમાં શાનદાર બેટિંગ કરી ભારતને 301નો લક્ષ્યાંક આપ્યો હતો. ભારત તરફથી વિરાટ કોહલીએ વિસ્ફોટક બેટિંગ કરી હતી. વિરાટ કોહલી માત્ર સાત રનથી પોતાની સદી ચૂકી ગયો. વિરાટે 91 બોલમાં 93 રન બનાવ્યા. ઈજામાંથી પરત ફરેલા શ્રેયસે પણ 49 રન બનાવ્યા, જ્યારે કેએલ રાહુલ અને હર્ષિત રાણાએ 29-29 રન બનાવીને ભારતની જીત સુનિશ્ચિત કરી. ટીમ ઈન્ડિયાએ ન્યુઝીલેન્ડને પ્રથમ વનડેમાં 4 વિકેટે હરાવ્યું.
આ પણ વાંચો : DC Vs GG: ગુજરાતની સતત બીજી જીત, દિલ્હી 4 રને હારી ગયું