ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને આક્રમક ક્રિકેટનું ઉત્તમ ઉદાહરણ જેને કહી શકાય એવા પૂર્વ ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલીનો આજે 54મો જન્મદિવસ છે. સૌરવ ગાંગુલીનો જન્મ 8 જુલાઈ 1972ના રોજ કલકત્તામાં થયો હતો. પિતા ચંડીદાસ અને માતા નિરુપા ગાંગુલીનો સૌથી નાનો પુત્ર એટલે આપણાં સૌના સૌરવ દાદા.
શહેરના સૌથી ધનિક માણસ
સૌરવ ગાંગુલીના પિતાનો કલકત્તામાં પોતાનો બિઝનેસ હતો. ચંડીદાસ ગાંગુલી કલકત્તામાં પ્રિન્ટ બિઝનેસનો વ્યવસાય કરતાં હતા. સૌરવ ગાંગુલીના પિતા જેતે સમયે કલકત્તામાં સૌથી ધનિક લોકોમાંના એક માનવામાં આવતા હતા અને આજ કારણ હતું કે ગાંગુલીનું બાળપણ વૈભવવિલાસથી ભરેલું રહ્યું હતું. તમે આ એક વાત પરથી અંદાજ લગાવી શકશો કે સૌરવ ગાંગુલી કેવું જીવન નાનપણમાં જીવ્યા હશે કે તેમનું હુલામણું નામ 'મહારાજ' હતું.
મોટા ભાઈથી મળી પ્રેરણા
સૌરવ ગાંગુલીના મોટા ભાઈ સ્નેહાશિષ ગાંગુલી પોતે ખુબજ સારા ક્રિકેટના ખેલાડી રહી ચૂક્યા છે. સ્નેહાશિષ ગાંગુલી જે તે સમયે બંગાળ ક્રિકેટ ટીમ તરફથી તેમનું યોગદાન આપતા હતા. તમને જાણીને નવાઈ લાગશે કે સૌરવ ગાંગુલીને ક્રિકેટમાં રસ તેમના મોટા ભાઈની રમતને જોઈને લાગ્યો. મોટા ભાઈની રમતને જોયા બાદ ગાંગુલીએ ક્રિકેટમાં તેમનું કરિયર બનાવવાનું નક્કી કર્યું.
સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી કોમર્સમાં સ્નાતક
ક્રિકેટની રમત સાથે સાથે સૌરવ ગાંગુલી તેમના અંગત જીવનમાં અભ્યાસમાં પણ ખૂબ આગળ રહ્યા છે. સૌરવ ગાંગુલીએ કોમર્સ શાખામાં તેમનો અભ્યાસ પૂરો કર્યો છે. સૌરવ ગાંગુલી સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી કોમર્સમાં સ્નાતક થયા છે. શૈક્ષણિક જીવન અને ત્યાર બાદ ક્રિકેટ જીવનમાં પદાર્પણ બાદ સૌરવ ગાંગુલીએ ભારતીય ક્લાસિકલ ડાન્સર ડોના ગાંગુલી સાથે લગ્ન કર્યા. સૌરવ અને ડોનાને સંતાનમાં એક દીકરી છે જેનું નામ સના ગાંગુલી છે.
સ્નેહાશિષ ક્રિકેટ એસોસિએશન ઑફ બંગાળના પ્રમુખ
સ્નેહાશિષ ચંડીદાસ ગાંગુલી એટલે સૌરવ ગાંગુલીના મોટા ભાઈ બંગાળ ક્રિકેટ એસોસિએશનમાં ખૂબ મોટું નામ ધરાવે છે. તેઓ ક્રિકેટ એસોસિએશન ઑફ બંગાળના પ્રમુખ તરીકે પણ તેમની સેવા આપી ચૂક્યા છે. સૌરવ ગાંગુલીના મોટા ભાઈએ બંગાળ ક્રિકેટ તરફથી 10 વર્ષ સુધી ક્રિકેટ રમી હતી. 1995માં સ્નેહાશિષ ગાંગુલીએ ડાન્સર મોમ ગાંગુલી સાથે લગ્ન કર્યા. આ દંપતીને 1998માં સ્નેહા નામની પુત્રી છે
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બૉર્ડના અધ્યક્ષ
ભારતીય ક્રિકેટમાં આક્રમક રમત શરૂ કરનાર ખેલાડી તરીકે સૌરવ ગાંગુલીનું નામ સૌથી પહેલા આદર પૂર્વક લેવામાં આવે છે. ભરતી ક્રિકેટમાંથી સન્યાસ લીધા બાદ પણ સૌરવ ગાંગુલી સતત ભારતીય ટીમની પડખે ઊભા રહ્યા છે. નિવૃતિ બાદ સૌરવ ગાંગુલીએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બૉર્ડના અધ્યક્ષ તરીકે પણ તેમની સેવા આપી છે. તેમની શાનદાર રમતના લીધે તેઓ ભારતીય ક્રિકેટ જગતના સૌથી સફળ કપ્તાન માનવામાં આવે છે.













