ભારતમાં શ્રેષ્ઠ ખેલાડીઓ છે. ટીમ ઇન્ડિયા માટે યોગ્ય અને સારું પ્રદર્શન કરનાર ખેલાડીઓને જ સિલેક્ટર્સ દ્વારા પસંદ કરવામાં આવે છે. કેટલીક વખત સારો ખેલાડી પણ કયારેક નબળું પ્રદર્શન કરે તો ટીમમાંથી બહાર થાય છે. ભારતીય ટીમમાં સતત સારું પ્રદર્શન કરવું દરેક ખેલાડી માટે પડકાર બની રહી છે. ટીમમાં સ્થાન મેળવવા અને જાળવી રાખવા ખેલાડીઓ બહુ મહેનત કરે છે. તાજેતરમાં રણજી ટ્રોફીમાં સરફરાઝ ખાને વિસ્ફોટક બેટિંગ કરી શ્રેષ્ઠતમ પ્રદર્શન બતાવ્યું. ટીમમાંથી બહાર થયેલા સરફરાઝે ધુઆંધાર બેટિંગ કરી ટીમ ઈન્ડિયાના સિલેક્ટર્સને જડબાતોડ જવાબ આપ્યો છે.
રણજી ટ્રોફીમાં સરફરાઝે ધુઆંધાર બેટિંગ કરી ફટકારી બેવડી સદી
રણજી ટ્રોફીમાં હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમ ખાતે મુંબઈ અને યજમાન હૈદરાબાદ વચ્ચે મેચ રમાઈ. આ મેચમાં સરફરાઝે શાનદાર બેવડી સદી ફટકારીને ફરી એકવાર સાબિત કર્યું છે કે તે લાંબી રેસનો ઘોડો છે. ટીમમાંથી બહાર કરવામાં આવેલા આ યુવા ખેલાડીએ હાર માનવાને બદલે રણજી ટ્રોફીમાં વિસ્ફોટક બેટિંગ કરી તરખાટ મચાવ્યો. મુંબઈ માટે પ્રથમ બેટિંગ કરતા સરફરાઝે મેચના પહેલા દિવસે 142 રન બનાવીને અણનમ રહીને પોતાની સદી પૂરી કરી હતી. આ ભાગીદારી દરમિયાન, તેણે ટીમના કેપ્ટન સિદ્ધેશ લાડ સાથે 249 રનની ભાગીદારી કરી. લાડે પણ સદી ફટકારી અને 104 રન બનાવીને આઉટ થયો.
સરફરાઝનું વિસ્ફોટક પ્રદર્શન, કરી આક્રમક બેટિંગ
હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં રમાયેલી એલીટ ગ્રુપ ડી મેચમાં મુંબઈ તરફથી રમતા સરફરાઝે યજમાન ટીમના બોલરોની બરાબરની મજા લીધી હતી. મેચમાં બીજા દિવસે પણ સરફરાઝનું આક્રમક પ્રદર્શન ચાલુ રહ્યું. મેચના પ્રથમ દિવસે 142 રન બનાવ્યા, જયારે બીજા દિવસે માત્ર 206 બોલમાં પોતાની બેવડી સદી પૂરી કરી હતી. સરફરાઝની કારર્કિદીની આ શાનદાર ઇનિંગ હતી. આ સાથે જ સરફરાઝની આ 5મી બેવડી સદી છે. યુવા ક્રિકેટરે માત્ર 61 મેચોમાં 5 બેવડી સદી ફટકારવાની સિદ્ધિ હાંસલ કરી છે.આખરે 227 રનના શાનદાર સ્કોર પર સરફરાઝનું બેટ શાંત થયું, સરફરાઝની શાનદાર ઇનિંગ્સમાં 19 ચોગ્ગા અને 9 છગ્ગાનો સમાવેશ થાય છે. બેવડી સદી સાથે 488 રનના વિશાળ સ્કોર સુધી ટીમને પહોંચાડવામાં સફળ રહ્યો સરફરાઝ.
સરફરાઝે ખાને સિલેક્ટર્સને આપ્યો જડબાતોડ જવાબ
સરફરાઝ ખાન છેલ્લા ઘણા સમયથી સતત રન બનાવી રહ્યો છે. ગયા વર્ષે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી અને વિજય હજારે ટ્રોફીમાં પણ સરફરાઝે નોંધપાત્ર પ્રદર્શન કર્યું હતું. ત્યારબાદ હવે સરફરાઝે રણજી ટ્રોફીમાં બેવડી સદી ફટકારી નવા વર્ષની શાનદાર શરૂઆત કરી છે. એવી ચર્ચા હતી કે સારો ખેલાડી છતાં સરફરાઝની અવગણના થઈ રહી છે. આમ છતાં, સરફરાઝ નિરાશ ના થતા પોતાનું સારું પ્રદર્શન કરતો રહ્યો. સરફરાઝના આ વિસ્ફોટક બેટિંગે પસંદગી સમિતિ અને ટીમ મેનેજમેન્ટને જડબાતોડ જવાબ આપ્યો. પોતાના પ્રદર્શનથી સરફરાઝે સિલેક્ટર્સનો એવો સંદેશ આપ્યો છે કે તેને લાંબો સમય સુધી ટીમની બહાર રાખવાનો નિર્ણય તેમને ભારે પડી શકે છે.
આ પણ વાંચો : T20 World Cup 2026 : ન્યૂઝીલેન્ડની ટીમમાં મોટો ફેરફાર, મેચ વિનર ખેલાડી ટૂર્નામેન્ટમાંથી થયો બહાર