ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે તાજેતરમાં રમાયેલ 5 મેચની ટેસ્ટ શ્રેણીમાં પોતાની શાનદાર બેટિંગથી વિશ્વભરમાં ડંકો વગાડનાર ખેલાડી એવા યશસ્વી જયસ્વાલે ભારતીય ટીમના અનુભવી ખેલાડી રોહિત શર્માના કહેવા પર પોતાના એક નિર્ણયને પાછો ઠેલીને યુ-ટર્ન માર્યો હોવાની વાત સામે આવી છે.
જયસ્વાલનો ટીમ બદલવાનો નિર્ણય
ભારતીય ક્રિકેટ ટીમના સ્ફોટક ઓપનર અને તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટમાં યુવા ઉંમરે ભારતનું નામ રોશન કરનાર યશસ્વી જયસ્વાલનું પ્રદર્શન ખુબજ સારું રહ્યું છે. યશસ્વી જયસ્વાલ માત્ર આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટ માંજ નહીં પણ ઘરેલુ ક્રિકેટમાં પણ ધમાકેદાર પ્રદર્શન કરતાં દેખાય છે. ઘરેલુ ક્રિકેટની વાત કરીએ તો યશસ્વી જયસ્વાલ ઘરેલુ ક્રિકેટમાં મુંબઈ તરફથી બેટિંગના પરચા દેખાડે છે ત્યારે આ વર્ષની શરૂઆતમાં જયસ્વાલે ટીમ બદલીને ગોવા માટે રમવાનું નક્કી કર્યું હતું.
રોહિત શર્માની યશસ્વીને સલાહ
મુંબઈ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અજિંક્ય નાઈકે આ સમગ્ર બાબત અંગે તેમનું નિવેદન આપીને એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. અજિંક્ય નાઈકના કહેવા મુજબ જ્યારે જયસ્વાલે ઘરેલુ ક્રિકેટમાં મુંબઈની ટીમ બદલીને ગોવા માટે રમવાનું નક્કી કર્યું ત્યારે ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી રોહિત શર્માએ યશસ્વીને તેની કારકિર્દીના આ સુવર્ણ સમયે મુંબઈની ટીમ તરફથી રમવાની સલાહ આપી હતી. રોહિત શર્માએ એ પણ કહ્યું કે મુંબઇએ અત્યાર સૂધી 42 વખત રણજી ટ્રોફી જીતી છે અને આ ટીમના લીધેજ તેને પોતાની પ્રતિભા દેખાડવાનો અવસર મળ્યો હતો.
2019માં મુંબઈ માટે રમવાની શરૂઆત કરી
વર્ષ 2019માં ભારતીય ક્રિકેટ ટીમના આ સ્ટાર ઓપનરે મુંબઈની ટીમ માટે પ્રથમ શ્રેણીમાં ઘરેલુ ક્રિકેટમાં રમવાનું ચાલુ કર્યું હતું અને ત્યારથી લઈને અત્યાર સુધી જયસ્વાલે ઘરેલુ ક્રિકેટમાં મુંબઈ તરફથી રમીને શાનદાર પ્રદર્શન કર્યું છે. જયસ્વાલના મુંબઈ ટીમ તરફથી બનેલા શાનદાર રેકોર્ડની વાત કરીએ તો તેમણે 43 પ્રથમ શ્રેણીની મેચમાં 66.58ની સરેરાશથી ધમાકેદાર 4233 રન બનાવ્યા છે. જેમાં જયસ્વાલે 15 સદી અને 15 અડધી સદી પણ ફટકારી છે અને જયસ્વાલનો શ્રેષ્ઠ સ્કોર 265 રન છે.













