વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25ની ફાઈનલમાં સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ઓસ્ટ્રેલિયા માટે ઓપનિંગ કરવા આવેલા માર્નુશ લાબુશેન અને ઉસ્માન ખ્વાજા બેટિંગમાં કંઈ ખાસ કરી શક્યા નહીં.


ઉસ્માન ખ્વાજા પોતાનું ખાતું પણ ખોલી શક્યો નહીં જ્યારે લાબુશેન 17 રન બનાવીને આઉટ થયો. 15 મહિના પછી પરત ફરેલા કેમરૂન ગ્રીન પણ 4 રન બનાવીને આઉટ થયો. આ પછી ટ્રેવિસ હેડ પણ ફક્ત 11 રન બનાવી શક્યો.

એક છેડે જ્યાં વિકેટો પડી રહી હતી, ત્યારે સ્ટાર બેટ્સમેન સ્ટીવ સ્મિથે બીજો છેડો સંભાળી રાખ્યો અને બીજા સેશનમાં અડધી સદી પણ પૂર્ણ કરી. સ્ટીવ સ્મિથે 33મી ઓવરમાં કગિસો રાબાડા સામે ચોગ્ગા ફટકારીને ટેસ્ટમાં પોતાની 42મી અડધી સદી ફટકારી. આ બાદ સિંગલ લઈને સ્ટીવ સ્મિથે ક્રિકેટના મક્કા તરીકો ઓળખાતા લોર્ડ્સમાં 99 વર્ષ જુનો રેકોર્ડ તોડીને ઈતિહાસ રચ્યો છે.

સ્ટીવ સ્મિથ તોડ્યો જુનો રેકોર્ડ

સ્ટીવ સ્મિથ 51 રન બનાવીને લોર્ડ્સમાં સૌથી વધુ ટેસ્ટ રન બનાવનાર વિદેશી બેટ્સમેન બની ગયો છે. તેને ઓસ્ટ્રેલિયાના વોરેન બાર્ડસ્લેનો મોટો રેકોર્ડ તોડ્યો. વોરેન બાર્ડસ્લેએ 1909 થી 1926 દરમિયાન લોર્ડ્સમાં 5 ટેસ્ટ મેચની 7 ઈનિંગ્સમાં 2 સદી અને 2 અડધી સદીની મદદથી 575 રન બનાવ્યા હતા. હવે લોર્ડ્સમાં સ્ટીવ સ્મિથના કુલ રન 591 થઈ ગયા છે. તેને અહીં 2 સદી અને 3 અડધી સદી ફટકારી છે.

WTC ફાઇનલની પહેલી ઈનિંગમાં પોતાની અડધી સદી દરમિયાન સ્ટીવ સ્મિથ મહાન ડોન બ્રેડમેન અને વેસ્ટ ઈન્ડીઝના દિગ્ગજ ગેરી સોબર્સથી આગળ નીકળી ગયો છે. બ્રેડમેને લોર્ડ્સમાં 4 ટેસ્ટ મેચની 8 ઈનિંગમાં 551 રન બનાવ્યા હતા. ગેરી સોબર્સે 5 ટેસ્ટની 9 ઈનિંગમાં 571 રન બનાવવાની સિદ્ધિ હાંસલ કરી હતી. હવે સ્મિથ લોર્ડ્સમાં ટેસ્ટમાં 600 રન બનાવનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન પણ બની શકે છે.

એલન બોર્ડર અને વિવિયન રિચર્ડ્સને છોડ્યા પાછળ

સ્ટીવ સ્મિથ ઇંગ્લેન્ડની ધરતી પર ટેસ્ટમાં સૌથી વધુ 50+ સ્કોર બનાવનાર બેટ્સમેન પણ બની ગયો છે. તેને ઓસ્ટ્રેલિયાના એલન બોર્ડર અને વિવિયન રિચર્ડ્સનો રેકોર્ડ તોડ્યો. એલન બોર્ડરે ઈંગ્લેન્ડમાં 25 ટેસ્ટ મેચમાં 17 વખત પચાસથી વધુ રન બનાવ્યા હતા. વિવિયન રિચર્ડ્સે 24 ટેસ્ટ મેચમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. પરંતુ હવે સ્મિથે ઈંગ્લેન્ડમાં 18 વખત પચાસથી વધુ સ્કોર કર્યો છે. તેને આ સિદ્ધિ માત્ર 23 ટેસ્ટ મેચમાં મેળવી છે.


  • Follow us on: