ભારતીય પુરુષોની ક્રિકેટ ટીમ હાલ તેના સુવર્ણ સમયમાંથી પસાર થઈ રહી છે. એક સમય હતો જ્યારે વેસ્ટ ઈન્ડિઝ, સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાની ટીમોના ખેલાડીઓને સર્વશ્રેષ્ઠ માનવામાં આવતા હતા, પરંતુ હવે સમય ભારતના પક્ષમાં છે. ભારતના યુવા ખેલાડીઓ વિદેશની ધરતી પર હવે ડંકો વગાડી રહ્યા છે.
દિગ્ગજ ખેલાડીઓ કરતાં આગળ યશસ્વી
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલ 5 મેચની ટેસ્ટ શ્રેણીમાં હાલ એજબેસ્ટન ખાતે બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. ભારતીય ટીમના ખેલાડીઓએ આ બીજી મેચ દરમ્યાન ઈંગ્લેન્ડ સામે જોરદાર પકડ બનાવી છે. ભારતની આ શાનદાર સ્થિતિ પાછળ ભારતના યુવા ખેલાડીઓમાંના એક એવા યશસ્વી જયસ્વાલનો પણ મોટો ફાળો છે. યશસ્વી જયસ્વાલે ટેસ્ટ ક્રિકેટમાં ઈંગ્લેન્ડ સામે શાનદાર બેટિંગ કરીને એક નવો ઇતિહાસ રચી દીધો છે. યશસ્વી જયસ્વાલે સચિન તેંડુલકર અને વિરાટ કોહલીને પાછળ છોડી દીધા છે.
સચિન અને વિરાટને પણ પાછળ છોડી દીધા
યશસ્વી જયસ્વાલે ઇંગ્લેન્ડના ઘર આંગણે રમાઈ રહેલી મેચમાં એજબેસ્ટન સ્ટેડિયમ ખાતે મેચમાં શાનર બેટિંગ કરીને મોટા ખેલાડીઓના પણ રેકોર્ડ તોડી નાખ્યા છે. ઈંગ્લેન્ડ ખાતે જયસ્વાલે ટેસ્ટ મેચ દરમિયાન એક સિદ્ધિ હાંસલ કરી છે. આ વખતે તેણે ભૂતપૂર્વ ભારતીય પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડ અને ભૂતપૂર્વ ઓપનર વીરેન્દ્ર સેહવાગની બરાબરી કરી લીધી છે, જ્યારે માસ્ટર-બ્લાસ્ટર સચિન તેંડુલકર અને વિરાટ કોહલીને એક રેકોર્ડની સ્થાપના કરીને પાછળ છોડી દીધા છે.
યશસ્વીના નામે કયો રેકોર્ડ ?
ટેસ્ટ ક્રિકેટમાં યશસ્વી જયસ્વાલે આ સિદ્ધિ હાંસલ કરીને ક્રિકેટ જગતમાં એક નવો રેકોર્ડ સ્થાપિત કરી દીધો છે. ભારતના આ યુવા અને સ્ફોટક ખેલાડીએ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઓછી ઇનિંગ્સ રમીને ઝડપી અને શાનદાર 2000 રન પૂરા કરનાર ભારતીય બેટ્સમેન બની ગયો છે. જો કે એજબેસ્ટન સ્ટેડિયમ ખાતે બીજી ઇનિંગ્સમાં જયસ્વાલ વધારે સારું પ્રદર્શન કરવામાં સફળ થઈ શક્યો ન હતો, પરંતુ પહેલી ઇનિંગ્સમાં તેણે શાનદાર 87 રન ફટકાર્યા હતા.