ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ICC Women World Cup 2025 જીતી ઇતિહાસ રચ્યો. મહિલા ટીમની આ ઐતિહાસિક જીતની દેશભરમાં ઉજવણી થઈ રહી છે. સોશિયલ મીડિયામાં લોકો દેશની દિકરીઓએ નામ રોશન કર્યું તેવી ટીપ્પણીથી કમેન્ટ બોક્સ છલકાઈ રહ્યું છે. ગઈકાલે ભારતીય મહિલા ટીમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી. પીએમ મોદી તેમના લોક કલ્યાણ માર્ગ નિવાસસ્થાને ચેમ્પિયન ટીમને મળ્યા. આ મુલાકાત દરમિયાન મુખ્ય કોચ અમોલ મઝુમદારે એક રસપ્રદ વાત કહી કે ખેલાડીઓ સહિત પીએમ મોદી પણ હસવા લાગ્યા.
અમોલ મજુમદારે રસપ્રદ કિસ્સો શેર કર્યો
પીએમ મોદી સાથેની મુલાકાતમાં ટીમના મુખ્ય કોચ અમોલ મઝુમદારે એવું કહ્યું કે ત્યાં હાજર દરેકના ચહેરા પર સ્મિત આવ્યું. તેમણે કહ્યું કે ઇંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન તેમને કિંગ ચાર્લ્સને મળવાની તક મળી હતી. પરંતુ કડક પ્રોટોકોલને કારણે 20 લોકોને જ મીટિંગમાં હાજર રહેવાની મંજૂરી આપી હતી. જેના કારણે અનેક સપોર્ટ સ્ટાફ સભ્યો કાર્યક્રમમાં હાજરી આપી શક્યા ન હતા. ત્યારે મેં મારા સ્ટાફને કહ્યું કે મને ખૂબ જ દુઃખ છે કે તમે જઈ શકશો નહીં.' ત્યારે તેઓએ હસીને કહ્યું, 'અમને આ ફોટો નથી જોઈતો, સાહેબ. અમને 4 કે 5 નવેમ્બરે મોદી સાહેબ સાથે ફોટો જોઈએ છે. અને આજે તે દિવસ છે. મજુમદારની આ વાત પર પીએમ મોદી પણ પોતાનું હાસ્ય રોકી ના શકયા.
અમોલ મજુમદારે ખેલાડીઓના સંઘર્ષની વાત કરી
પીએમ મોદી સાથેની મુલાકાતમાં મુખ્ય કોચ અમોલ મજુમદારે આ ઉપરાંત મહિલા ખેલાડીઓના સંઘર્ષની વાત કરી હતી. તેમજ મહિલા ટીમ વર્લ્ડ કપને લઈને બે વર્ષથી કેવો કઠિન પરિશ્રમ કર્યો હતો તે પણ જણાવ્યું. તમામ ખેલાડીઓ પ્રેકટીસ દરમિયાન એકબીજાને સપોર્ટ કરતા. ખેલાડીઓ પ્રેકટીસમાં શિસ્તતા અને નિયમિતતા જાળવી હતી. ટીમે બે વર્ષ સુધી તમામ મોરચે સખત મહેનત કરી અને આખરે તેનું આટલું આ સુખદ પરિણામ આપણને મળ્યું. જણાવી દઈએ કે દેશવાસીઓ મહિલા ટીમે ભારતને અપાવેલ આ ગૌરવની ભવ્ય ઉજવીણી તસવીરો શેર કરી રહ્યા છે.
પીએ મોદીએ ખેલાડીઓને કરી અપીલ
2 નવેમ્બરનો દિવસ ભારત માટે એક ઐતિહાસિક દિવસ બની રહ્યો. આ દિવસે ભારતીય મહિલા ટીમે વર્લ્ડ કપની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને 52 રનથી હરાવી વર્લ્ડ ચેમ્પિયન બની. ટીમ ઈન્ડિયા એક સમયે ટૂર્નામેન્ટમાં સતત ત્રણ મેચ હારી ગઈ હતી જેનો આ મુલાકાતમાં પીએમ મોદીએ પણ ઉલ્લેખ કર્યો હતો. ટ્રોલિંગનો સામનો કરી વિજય કૂચ તરફ આગળ વધનાર ભારતીય ટીમના આ મજબૂત વલણની વડાપ્રધાન મોદીએ પ્રશંસા કરી. પીએમ મોદીએ ચેમ્પિયન છોકરીઓને કહ્યું, "તમે ખરેખર એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. તમારી આ જીત અન્યો માટે પ્રેરણા બની છે. આ સાથે જ પીએમ મોદીએ ખેલાડીઓને દેશની મહિલાઓ પણ પોતાની ફિટનેસ પર ધ્યાન આપે તેને લઈને અપીલ કરવા કહ્યું.