- PCBએ ICC પાસે નવી માગ કરી
- ખેલાડીની સુરક્ષાને લઈ આશ્વાસન આપવા કરી માગ
- 5 ઓક્ટોબરથી શરૂ થશે વર્લ્ડકપ
5 ઓક્ટોબરથી ભારતમાં ICC વનડે વર્લ્ડકપ શરૂ થશે. આ અંગે ICCએ જૂનના અંતમાં સત્તાવાર શિડ્યૂલની જાહેરાત કરી હતી, ત્યારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ આ મેગા ઇવેન્ટ માટે સતત નવી માંગ કરી રહ્યું છે. આ તમામ વચ્ચે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પોતાના ખેલાડીઓની સુરક્ષાને લઈ લેખિત આશ્વાસન આપવા ICC પાસે શરત મૂકી છે.
ICC પાસેથી લેખિત ખાતરી માંગી
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તેની સરકાર પાસે ODI વર્લ્ડ 2023 માટે ટીમ મોકલવા માટે મંજૂરી માંગી હતી. જે બાદ સરકારે 15 સભ્યોની સમિતિની રચના કરી હતી. હવે મળતી માહિતી અનુસાર, પાકિસ્તાન સરકાર અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ભારતમાં તેમની ટીમની સુરક્ષાને લઈને ICC પાસેથી લેખિત ખાતરી માંગી છે. પાકિસ્તાન સરકાર અને PCBએ ICCને લેખિત ગેરંટી આપવા કહ્યું છે કે, તેમની ટીમને ભારતમાં ઉચ્ચ સુરક્ષા મળવી જોઈએ. ICCને લેખિત ગેરંટી મળ્યા બાદ જ PCB ટીમ મોકલવાનો નિર્ણય કરશે.
પાકિસ્તાનના શિડ્યૂલમાં પણ થઈ શકે ફેરફાર
આગામી વનડે વર્લ્ડકપને લઈને ICCએ જાહેર કરવામાં આવેલા શિડ્યૂલની કેટલીક મેચોમાં ફેરફાર થવાની સંભાવના છે. પાકિસ્તાનની 2 શરૂઆતી મેચની તારીખમાં ફેરફાર થવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાની ટીમ વનડે વર્લ્ડકપ દરમિયાન તેની મેચ ભારતના 5 શહેરોમાં રમશે. જેમાં અમદાવાદ, હૈદરાબાદ, બેંગલુરુ, કોલકાતા અને ચેન્નાઈ સામેલ છે. આ ઉપરાંત જો પાકિસ્તાનની ટીમ સેમીફાઈનલમાં પહોંચશે તો તે મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ મેદાન પર રમવામાં આવશે.