- પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે T20 સીરિઝ રમાશે
- સીરિઝ માટે PCBએ પાકિસ્તાન ટીમની કરી જાહેરાત
- મોહમ્મદ આમિર અને ઈમાદ વસીમની ટીમમાં વાપસી
પાકિસ્તાન ક્રિકેટ ટીમ T20 વર્લ્ડકપ 2024 પહેલા ન્યૂઝીલેન્ડ સાથે ઘરઆંગણે T20 સીરિઝ રમવા જઈ રહી છે. આ સિરીઝ 18 એપ્રિલથી શરૂ થવા જઈ રહી છે. આજે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ આ સીરિઝને લઈને પાકિસ્તાની ટીમની ટીમની જાહેરાત કરી છે. સફેદ બોલ ક્રિકેટમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમની કમાન ફરી એકવાર બાબર આઝમના હાથમાં આવી ગઈ છે.
આ ખેલાડીઓની વાપસી
તાજેતરમાં પાકિસ્તાન સુપર લીગ સમાપ્ત થઈ છે. જે બાદ પાકિસ્તાનના બે ખેલાડીઓએ તેમની આંતરરાષ્ટ્રીય નિવૃત્તિ પાછી લઈ લીધી અને ફરીથી રાષ્ટ્રીય ટીમમાં રમવાની ઈચ્છા વ્યક્ત કરી. જેમાં ફાસ્ટ બોલર મોહમ્મદ આમિર અને ઓલરાઉન્ડર ઈમાદ વસીમનો સમાવેશ થાય છે.
હવે આ બંને ખેલાડીઓને ન્યૂઝીલેન્ડ સાથેની T20 સીરિઝ માટે પાકિસ્તાનની ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. આ બંને ખેલાડીઓએ પાકિસ્તાન સુપર લીગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. હવે આમિર અને ઈમાદ ફરી એકવાર પાકિસ્તાન માટે ક્રિકેટ રમતા જોવા મળશે.
મોહમ્મદ આમિરનું શાનદાર પ્રદર્શન
મોહમ્મદ આમિરે લગભગ 4 વર્ષ બાદ પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં એન્ટ્રી કરી છે. મોહમ્મદ આમિરે તેની છેલ્લી T20 મેચ 30 ઓગસ્ટ 2020ના રોજ ઈંગ્લેન્ડ સામે પાકિસ્તાન ટીમ માટે રમી હતી. આમિરે પાકિસ્તાન માટે 50 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. જેમાં તેણે બોલિંગ દરમિયાન 59 વિકેટ ઝડપી હતી. મોહમ્મદ આમિર પોતાની સ્પીડ અને સ્વિંગથી સૌથી મોટા બેટ્સમેનને પણ પરેશાન કરી શકે છે, આવી સ્થિતિમાં આમિર આગામી T20 વર્લ્ડકપ 2024માં પાકિસ્તાન ટીમ માટે એક મોટું હથિયાર સાબિત થઈ શકે છે.