- આજે પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે વર્લ્ડકપની મેચ
- પાકિસ્તાનની ટીમમાં અત્યારે અનેક સમસ્યા
- શ્રીલંકા મેચ જીતવાનો કરશે પ્રયાસ
પાકિસ્તાન ક્રિકેટ ટીમ આજે હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં શ્રીલંકા સામે વર્લ્ડકપ 2023ની બીજી મેચ રમશે. પાકિસ્તાને પ્રથમ મેચ જીતી લીધી હતી, પરંતુ બીજી મેચ પહેલા ટીમની ઘણી સમસ્યાઓ છે. જેના કારણે ટીમ તેની બીજી મેચ હારી શકે છે.
નેધરલેન્ડ વિરુદ્ધ 50 ઓવર ન રમી
નેધરલેન્ડ જેવી નબળી ટીમ સામે પણ પાકિસ્તાન સંપૂર્ણ 50 ઓવર રમી શક્યું નહતું. ટીમ 49 ઓવરમાં 286 રનમાં ઓલઆઉટ થઈ હતી. જેથી નેધરલેન્ડને 287 રનનો ટાર્ગેટ મળ્યો હતો. આ રનનો પીછો કરતા નેધરલેન્ડની ટીમ 205 રન સુધી પહોંચી હતી. બેટિંગ અને બોલિંગમાં પાકિસ્તાની ટીમ તરફથી વધારે તાકાત જોવા મળી નથી.
ફખર જમાન સારા ફોર્મમાં નથી
નેધરલેન્ડ વિરુદ્ધ ફખર ઝમાન અને ઈમામ ઉલ હકે ઓપનિંગ કર્યું હતું અને બંને ઓપનર સસ્તામાં આઉટ થયા હતા. ઈમામે 15 રન અને ફખરે માત્ર 12 રન બનાવ્યા હતા. ફખર ઝમાનની વાત કરીએ તો તેણે વનડેની છેલ્લી 11 ઈનિંગમાં એક પણ ફિફ્ટી ફટકારી નથી. આવી સ્થિતિમાં ફખર ઝમાનનું ખરાબ ફોર્મ આગામી મેચમાં પાકિસ્તાન માટે મોટી સમસ્યા બની શકે છે.
ટીમનો મિડલ ઓર્ડર સર્જી શકે સમસ્યા
મિડલ ઓર્ડરમાં પણ ટીમ પાસે બહુ ખાસ નથી. જો કે, નેધરલેન્ડ વિરુદ્ધ મોહમ્મદ રિઝવાન અને સઈદ શકીલે 68-68 રનની સારી ઈનિંગ રમી હતી, પરંતુ તેમના સિવાય અન્ય કોઈ બેટ્સમેન ફિફ્ટી સુધી પહોંચી શક્યો નહતો. આવી સ્થિતિમાં નબળા ટોપ ઓર્ડર બાદ ટીમનો મિડલ ઓર્ડર પણ મુશ્કેલી બની શકે છે.
નસીમ શાહ છે ઈજાગ્રસ્ત
બોલિંગ વિભાગમાં ટીમ સૌથી મોટી સમસ્યાનો સામનો કરી રહી છે. કારણ કે, ટીમના મુખ્ય ફાસ્ટ બોલરોમાંથી એક નસીમ શાહ ઈજાના કારણે વર્લ્ડકપમાંથી બહાર છે. નસીમ પાકિસ્તાનનો એવો પેસ એટેક બોલર છે જે નવા અને જૂના બોલ સાથે સારી ગતિથી બોલિંગ કરે છે. નસીમની જગ્યાએ હસન અલી ટીમમાં રમી રહ્યો છે.