- પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 મેચની ટેસ્ટ સિરીઝ
- ટેસ્ટ સિરીઝની છેલ્લી અને ત્રીજી મેચ સિડીનીમાં રમાશે
- સિરીઝની છેલ્લી મેચ માટે પાકિસ્તાનની પ્લેઈંગ-11 જાહેર
ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની ટેસ્ટ સિરીઝની છેલ્લી મેચ માટે પાકિસ્તાને તેના પ્લેઈંગ-11ની જાહેરાત કરી દીધી છે. શાહીન આફ્રિદીને આ મેચ માટે પાકિસ્તાન ટીમમાં સ્થાન મળ્યું નથી. તેના સ્થાને સાજિદ ખાનને પ્લેઇંગ-11માં તક આપવામાં આવી છે. ઈમામ-ઉલ-હકને પણ સ્થાન આપવામાં આવ્યું નથી. તેની જગ્યાએ સેમ અયુબ પાકિસ્તાન માટે ટેસ્ટ ફોર્મેટમાં ડેબ્યુ કરશે.
શાહિન આફ્રિદી ટીમની બહાર
શાહીન આફ્રિદીને આ મેચમાંથી બહાર રાખવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. શહિનનું પ્લેઈંગ ઈલેવનમાં ન હોવું પાકિસ્તાન માટે મોટો ઝટકો છે. શાહિને આ સિરીઝમાં અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. આ સિરીઝ માટે પાકિસ્તાન ટીમના ફાસ્ટ બોલિંગ આક્રમણની કમાન તેના હાથમાં હતી. બીજી તરફ, ઇમામ-ઉલ-હક આ સમગ્ર સિરીઝમાં ફ્લોપ રહ્યો છે. તે પાકિસ્તાનને સારી શરૂઆત આપી શક્યો ન હતો, જેના કારણે તેને ટીમમાંથી બહાર કરવો પડ્યો હતો.
શાહીનના સ્થાને ટીમમાં આવેલા સાજિદ ખાન ઓલરાઉન્ડર છે. તેણે અત્યાર સુધી માત્ર 7 ટેસ્ટ મેચ રમી છે. છેલ્લી વખત તેણે ટેસ્ટ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાનો સામનો કર્યો હતો. તેણે આ મેચ વર્ષ 2022માં પેશાવરમાં રમી હતી. ત્યારપછી તે પાકિસ્તાનની ટીમમાં જગ્યા બનાવી શક્યો ન હતો. ઇમામના સ્થાને ટીમમાં આવેલા યુવા ક્રિકેટર સેમ અયુબ માટે સિડની ટેસ્ટ મોટી તક છે. સિડની ટેસ્ટ માટે પાકિસ્તાનના પ્લેઇંગ-11માં આ માત્ર બે ફેરફાર છે.
આ પાકિસ્તાનની પ્લેઈંગ-11
સેમ ઐયુબ (ડેબ્યુ), અબ્દુલ્લા શફીક, શાન મસૂદ (કેપ્ટન), બાબર આઝમ, સઈદ શકીલ, મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), સલમાન અલી આગા, સાજીદ ખાન, હસન અલી, મીર હમઝા, આમર જમાલ.
પાકિસ્તાને ટેસ્ટ સિરીઝ ગુમાવી
પાકિસ્તાનની ટીમ ઓસ્ટ્રેલિયા સામે રમાઈ રહેલી ત્રણ મેચની ટેસ્ટ સિરીઝની પ્રથમ બે મેચ હારી ગઈ છે. પ્રથમ મેચમાં તેને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો પરંતુ બીજી ઇનિંગમાં તેણે સારી લડત આપી હતી. 0-2થી પાછળ રહ્યા બાદ પાકિસ્તાનનું ઓસ્ટ્રેલિયામાં પ્રથમ વખત ટેસ્ટ સિરીઝ જીતવાનું સપનું ફરી એકવાર અધૂરું રહી ગયું છે. પાકિસ્તાનની ટીમ છેલ્લા 28 વર્ષમાં એક પણ વખત ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ મેચ જીતી શકી નથી. તે સિડની ટેસ્ટમાં આ ક્રમને તોડવાનો પ્રયાસ કરશે.