- વર્ષ 1978થી ભારત અને પાકિસ્તાન વચ્ચે ODI મેચો રમાઈ રહી છે
- ભારત અને પાકિસ્તાન લગભગ 4 વર્ષ બાદ ODIમાં ટકરાશે
- એશિયા કપના ODI ફોર્મેટમાં બંને ટીમો વચ્ચે 13 મેચ રમાઈ
એશિયા કપની શરુઆત 30 ઓગસ્ટથી થઈ ગઈ છે. તેમજ ગ્રૃપ સ્ટેજ માટે પાકિસ્તાને નેપાળને હરાવ્યું હતું જ્યારે શ્રીલંકાએ નેપાળે માત આપી હતી. તો વાત કરીએ એશિયા કપના મોસ્ટ અવેટિંગ ભારત-પાકિસ્તાનનો મેચ. 2 સ્પ્ટેમ્બરના રોજ ભારત-પાકિસ્તાન આમને-સામને આવશે. તો બંને દેશના હેડ ટુ હેડ પર નજર કરીએ
બંને ટીમોના હેડ ટુ હેડ રેકોર્ડ.
ભારત અને પાકિસ્તાન વચ્ચે 1978 થી ODI મેચો રમાઈ રહી છે. એકંદરે આ ફોર્મેટમાં પાકિસ્તાને ભારત પર પ્રભુત્વ જમાવ્યું છે. પરંતુ એશિયા કપની કહાણી શું છે? ચાલો તમને જણાવીએ કે ODI અને એશિયા કપમાં બંને ટીમોના હેડ ટુ હેડ રેકોર્ડ.
ભારત અને પાકિસ્તાનએ ક્રિકેટની બે સૌથી હરીફ ટીમો છે. જ્યારે પણ બંને ટીમોનો મહામુકાહલો હોય છે ત્યારે આખી દુનિયાની નજર તેના પર હોય છે. હજારો લોકો સ્ટેડિયમ પહોંચે છે. રસ્તાઓ પર કર્ફ્યૂ જેવો માહોલ જોવા મળે છે. લોકોનું સમગ્ર ધ્યાન મેચ પર જ રહે છે. હવે લગભગ 11 મહિના બાદ ફરી એકવાર ભારત અને પાકિસ્તાન ક્રિકેટના મેદાન પર ટકરાશે. પરંતુ આ વખતે ફોર્મેટ અલગ છે. ગયા વર્ષે બંને ટીમો T20માં ટકરાયા હતા. આ વખતે તે ODIમાં હશે. ભારત અને પાકિસ્તાન લગભગ 4 વર્ષ બાદ ODIમાં ટકરાશે.
ODIમાં પાકિસ્તાનનું પલડું ભારે
ODI ક્રિકેટમાં હેડ ટુ હેડની વાત કરીએ તો, અહીં ભારત પર પાકિસ્તાનનું પલડું ભારે જોવા મળે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 1978માં પ્રથમ વનડે રમાઈ હતી. છેલ્લી મેચ 2019 વર્લ્ડ કપમાં થઈ હતી. આ દરમિયાન બંને ટીમોએ 132 વનડે મેચ રમી છે. આમાં ભારતને 55 જીત મળી છે. પાકિસ્તાને 73 મેચ જીતી હતી. 4 મેચમાં કોઈ પરિણામ આવ્યું નથી.
*ભારત-પાકિસ્તાન વચ્ચેની છેલ્લા 5 વનડે*
| વર્ષ | રિઝલ્ટ | જીતનું માર્જિન | ટુર્નામેન્ટ |
| 2017 | ભારતની જીત | 124 રન | ચેમ્પિયન્સ ટ્રોફી |
| 2017 | પાકિસ્તાનની જીત | 180 રન | ચેમ્પિયન્સ ટ્રોફી |
| 2018 | ભારતની જીત | 8 વિકેટ | એશિયા કપ |
| 2018 | ભારતની જીત | 9 વિકેટ | એશિયા કપ |
| 2019 | ભારતની જીત | 89 રન | વર્લ્ડ કપ |
એશિયા કપમાં ભારત આગળ
એશિયા કપની વાત કરીએ તો અહીં ભારતનું પાકિસ્તાન પર વર્ચસ્વ જોવા મળે છે. ભારત અને પાકિસ્તાન 1984માં ટૂર્નામેન્ટમાં પ્રથમ વખત ટકરાયા હતા. એશિયા કપના ODI ફોર્મેટમાં બંને ટીમો વચ્ચે 13 મેચ રમાઈ છે. ટીમ ઈન્ડિયાએ આમાં 7 જીત મેળવી છે જ્યારે પાકિસ્તાને 5 મેચ જીતી છે. એક મેચ અનિર્ણિત રહી હતી. આ સમયગાળા દરમિયાન ઘણી નજીકની મેચો થઈ છે. ભારત પાસે કુલ 7 એશિયા કપ ટ્રોફી છે, જ્યારે પાકિસ્તાન માત્ર બે વખત જ ટૂર્નામેન્ટ જીતવામાં સફળ રહ્યું છે.
કાંટાની ટક્કર જોવા મળશે
ભારત અને પાકિસ્તાન વચ્ચેની છેલ્લી 5 વનડે મેચ એકતરફી રહી છે. પરંતુ ફેન્સને આશા છે કે એશિયા કપમાં જોરદાર સ્પર્ધા જોવા મળશે. ગયા વર્ષે એશિયા કપ T20 અને T20 વર્લ્ડ કપમાં બંને ટીમો ત્રણ વખત ટકરાયા હતા. ત્રણેય મેચ છેલ્લી ઓવર સુધી ચાલી હતી. ફેન્સને ફરી એકવાર આવા રોમાંચની અપેક્ષા રાખશે.