• વર્લ્ડકપ પહેલાં પાકિસ્તાનને ઝટકો
  • ફાસ્ટ બોલરે સંન્યાસની જાહેરાત કરી
  • T-20 લીગ્સમાં રમવાનું ચાલુ રાખશે

પાકિસ્તાની ટીમના ફાસ્ટ બોલર વહાબ રિયાઝે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. 38 વર્ષીય આ ખેલાડીએ આજે જ સંન્યાસની જાહેરાત કરી છે. ટ્વીટ કરીને વહાબે લખ્યું કે, વિશ્વમાં યોજાનારી T-20 લીગમાં તે રમવાનું શરૂ રાખશે. વહાબ પાકિસ્તાન માટે 91 વનડે, 27 ટેસ્ટ અને 36 T-20 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો છે.

કરિયર દરમિયાન 237 વિકેટ લીધી

વહાબ રિયાઝે પોતાના આંતરરાષ્ટ્રીય કરિયર દરમિયાન ત્રણેય ફોર્મેટમાં કુલ 237 વિકેટ પ્રાપ્ત કરી છે. વહાબ પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ ડિસેમ્બર 2020માં પાકિસ્તાનની ટીમ માટે રમ્યો હતો. T-20 લીગ્સને લઈ વાત કરવામાં આવે તો, આ વર્ષે માર્ચ મહિનામાં વહાબ પાકિસ્તાન સુપર લીગ્સમાં રમ્યો હતો.

ગત 2 વર્ષથી સંન્યાસની યોજના બનાવી

આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહેવા સાથે વહાબે પોતાના નિવેદનમાં કહ્યું કે, હું ગત 2 વર્ષથી મારા સંન્યાસની યોજના બનાવી રહ્યો છું. મેં 2023માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. પાકિસ્તાન માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવું એ મારા માટે ગર્વની વાત છે. હવે હું ફ્રેંચાઈઝી ક્રિકેટમાં રમવું શરૂ રાખીશ.

ભારત વિરુદ્ધ લીધી હતી 5 વિકેટ

વર્ષ 2011ના વનડે વર્લ્ડકપના સેમીફાઈનલમાં જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે મોહાલીના મેદાન પર ટક્કર થઈ હતી, ત્યારે પાકિસ્તાનની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ વહાબ રિયાઝે 5 વિકેટ લઈને પોતાની બોલિંગથી તમામ લોકોને પ્રભાવિત કર્યા હતા. વહાબે વનડેમાં કરિયરમાં 120 વિકેટ લેવા સાથે 3 ફિફ્ટી પણ ફટકારી છે. સાથે વહાબે ટેસ્ટમાં 83 અને T-20 આંતરરાષ્ટ્રીયમાં 34 વિકેટ પ્રાપ્ત કરી છે.

  • Follow us on: