• PCBએ મુખ્ય કોચ ગેરી કર્સ્ટનની કરી નિમણૂક
  • ગેરી કર્સ્ટન પાકિસ્તાન માટે એક ટ્રોફી જીતવા માગે છે
  • ગેરી કર્સ્ટન હાલમાં IPLમાં ગુજરાત ટાઈટન્સના કોચ

પાકિસ્તાનના નવા નિયુક્ત મુખ્ય કોચ ગેરી કર્સ્ટન ઈચ્છે છે કે તેમની ટીમ આગામી ત્રણ વર્ષમાં ત્રણ ICC ટૂર્નામેન્ટમાંથી ઓછામાં ઓછી એક ટ્રોફી જીતે. આ વર્ષે જૂનમાં યોજાનાર T20 વર્લ્ડકપ સિવાય કર્સ્ટન 2025માં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી અને 2026માં યોજાનાર T20 વર્લ્ડકપમાં પાકિસ્તાની ટીમને કોચિંગ આપતા જોવા મળશે. ભારતની વર્લ્ડકપ (2011) વિજેતા ટીમના મુખ્ય કોચ રહી ચૂકેલા કર્સ્ટન ઈચ્છે છે કે બાબર આઝમ અને તેની ટીમ આ ત્રણમાંથી ઓછામાં ઓછી એક ટુર્નામેન્ટ જીતે.

કર્સ્ટન ODI-T20માં પાકિસ્તાનના મુખ્ય કોચ

હાલમાં IPL ટીમ ગુજરાત ટાઇટન્સના મેન્ટર કર્સ્ટનને રવિવારે ODI અને T20 ઇન્ટરનેશનલ માટે પાકિસ્તાનના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. પૂર્વ દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન પાકિસ્તાનના ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા 22 મેથી તેની નવી જવાબદારી સંભાળે તેવી અપેક્ષા છે. જ્યારે કર્સ્ટનને તેમના કાર્યકાળ દરમિયાન તેમના લક્ષ્યો વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે કહ્યું - જો તમે તે ત્રણ ICC ટૂર્નામેન્ટ એક જીતી શકો છો, તો તે એક અદભૂત સિદ્ધિ હશે. પછી તે આગામી T20 વર્લ્ડકપ હોય કે અન્ય કોઈ ICC ટૂર્નામેન્ટ હોય.

'ટીમે તેનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવું જોઈએ'

તેણે કહ્યું, 'મારું કામ એ સુનિશ્ચિત કરવાનું છે કે ટીમ તેનું શ્રેષ્ઠ પ્રદર્શન કરે. જો ટીમ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરશે તો અમારી પાસે હંમેશા ટ્રોફી જીતવાની સારી તક રહેશે. તેથી ટીમો અત્યારે ક્યાં છે અને ટોચ પર સ્પર્ધા કરવા માટે ટીમોને શું કરવાની જરૂર છે તે સમજવું મારા માટે ખરેખર મહત્વનું રહેશે.

T20 વર્લ્ડકપની તૈયારીઓમાં ઓછો સમય બાકી

કર્સ્ટનના મતે, પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સ્તરે ટોચના ચારથી પાંચ કોચિંગ પદોમાંથી એક છે અને વિશ્વના કેટલાક શ્રેષ્ઠ ક્રિકેટરો સાથે કામ કરવાની ઓફર તેમને આકર્ષક હતી. કર્સ્ટને એ પણ સ્વીકાર્યું કે જૂનમાં વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં યોજાનારા T20 વર્લ્ડ કપની તૈયારી કરવા માટે તેમની પાસે સમય ઓછો છે કારણ કે તેણે આઈપીએલમાં પોતાની જવાબદારીઓ નિભાવવાની છે.અઝહર મહમૂદ વચગાળાના મુખ્ય કોચ તરીકે શાનદાર કામ કરી રહ્યા છે. 

  • Follow us on: