પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સીરીઝ રમાવાની છે. આ સિરીઝ 7મી ઓક્ટોબરથી શરૂ થવાની છે. આ સિરીઝ માત્ર પાકિસ્તાનમાં જ રમવાની છે. પરંતુ હવે આ અંગે એક મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે. એક રિપોર્ટ અનુસાર, પાકિસ્તાન-ઈંગ્લેન્ડ સિરીઝનું સ્થળ બદલાઈ શકે છે. આ ટેસ્ટ સીરીઝ UAE અથવા શ્રીલંકામાં યોજવામાં આવી શકે છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા પાકિસ્તાનના ઘણા સ્ટેડિયમમાં કામ ચાલી રહ્યું છે.
આ કારણોસર બદલાઈ શકે વેન્યૂ
પાકિસ્તાનના કરાચી અને રાવલપિંડીના સ્ટેડિયમમાં કામ ચાલી રહ્યું છે. ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા આ સ્ટેડિયમોનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. આ કામ પૂર્ણ કરવામાં ઘણો સમય લાગી શકે છે. એક અહેવાલ અનુસાર, આ કારણોસર પાકિસ્તાન-ઈંગ્લેન્ડ સિરીઝને UAE અથવા શ્રીલંકામાં શિફ્ટ કરવામાં આવી શકે છે. પાકિસ્તાને તાજેતરમાં બાંગ્લાદેશ સામે ટેસ્ટ સિરીઝ રમી હતી. જેમાં તેને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. બાંગ્લાદેશે સિરીઝ 2-0થી જીતી લીધી હતી.
પાકિસ્તાન-ઈંગ્લેન્ડ સિરીઝનું શેડ્યૂલ
પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ 7 ઓક્ટોબરથી મુલતાનમાં રમાશે. સિરીઝની બીજી મેચ 15 ઓક્ટોબરથી કરાચીમાં રમાશે. ટેસ્ટ સિરીઝની ત્રીજી અને છેલ્લી મેચ 24 ઓક્ટોબરથી રાવલપિંડીમાં રમાશે. જો રાવલપિંડી અને કરાચીના સ્ટેડિયમ સમયસર તૈયાર ન થાય તો આ સિરીઝ અન્ય દેશમાં પણ યોજવામાં આવી શકે છે.
પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફીની તૈયારીમાં વ્યસ્ત
પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની તૈયારીમાં વ્યસ્ત છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ માટે ઘણો ખર્ચ કર્યો છે. તેને ICC તરફથી ફંડિંગ મળ્યું છે. પરંતુ ભારત આ ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાન જશે કે નહીં તે અંગે હજુ સ્પષ્ટપણે કંઈ કહી શકાય નહીં. જો કે ટીમ ઈન્ડિયાના પાકિસ્તાન જવાની શક્યતા ઘણી ઓછી છે.