- પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 5 T20 મેચની સિરીઝ
- પાકિસ્તાન તરફથી બાબર અને રિઝવાન નહીં કરે ઓપનિંગ
- બાબર આઝમના સ્થાને સૈમ અયુબ કરશે ઈનિંગ્સની શરૂઆત
પાકિસ્તાનની ટીમ હાલમા ન્યૂઝીલેન્ડના પ્રવાસે છે. 12 જાન્યુઆરીથી ન્યૂઝીલેન્ડમાં પાંચ મેચોની T20 સિરીઝ રમાવાની છે. સિરીઝની શરૂઆત પહેલા પાકિસ્તાન તરફથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર બાબર અને રિઝવાન ન્યૂઝીલેન્ડ T20 સિરીઝમાં ઇનિંગ્સની શરૂઆત કરશે નહીં.
પાકિસ્તાન તરફથી કોણ કરશે ઓપનિંગ?
પાકિસ્તાનની ટીમ ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સિરીઝમા ખરાબ રીતે હાર્યા બાદ ન્યૂઝીલેન્ડના પ્રવાસે છે. પાકિસ્તાનની ટીમ 12 જાન્યુઆરીથી ન્યૂઝીલેન્ડમાં પાંચ મેચોની T20 સિરીઝ રમશે. પરંતુ આ વખતે બાબર આઝમની જગ્યાએ યુવા ખેલાડી સૈમ અયુબ અને મોહમ્મદ રિઝવાન ઇનિંગ્સની શરૂઆત કરશે. મળતી માહિતી મુજબ, ટીમ મેનેજમેન્ટે સૈમ અને રિઝવાનને નેટમાં નવા બોલથી બેટિંગ કરાવી હતી. જ્યારે અન્ય નેટમાં બાબર આઝમ અને ફખર ઝમાએ સ્પિનરોની બોલમા બેટિંગ કરી હતી. બાબર અને રિઝવાનની જોડી T20 ફોર્મેટમાં ઘણી સફળ રહી છે, પરંતુ નવા કેપ્ટન શાહીન શાહ આફ્રિદી, નવા હાઈ પરફોર્મન્સ કોચ યાસિર અરાફાત અને ટીમ ડિરેક્ટર મોહમ્મદ હફીઝ આ સિરીઝમા કંઈક નવું કરવા માંગે છે.
બાબર અને રિઝવાનની ભાગીદારી
બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાને T20 ફોર્મેટમાં ઘણી વખત 150 થી વધુ રનની ઓપનિંગ ભાગીદારી કરી છે. બંને ખેલાડીઓએ એકવાર 200 રનના ટાર્ગેટનો પણ ચેઝ કર્યો હતો. T20 વર્લ્ડ કપ 2021માં, બાબર આઝમ અને મહોમ્મદ રિઝવાને 152 રનની અણનમ ભાગીદારી કરીને ભારતને 10 વિકેટે હરાવ્યું હતું. સુત્રોના જણાવ્યા અનુસાર બાબર આઝમ હવે કોઈપણ ફોર્મેટમાં કેપ્ટન નથી અને તે ત્રીજા નંબર પર બેટિંગ કરવા માટે તૈયાર છે. બાબરના સ્ટ્રાઈક રેટને લઈને ઘણી વખત સવાલો પણ ઉઠાવવામાં આવ્યા છે. શાહીન આફ્રિદી અને મોહમ્મદ હાફીઝે તેની સાથે આ અંગે વાત કરી હતી.