- પ્રવીણ કુમારે બોલ ટેમ્પરિંગ અંગે કર્યો મોટો ખુલાસો
- ક્રિકેટરો હંમેશા બોલ સાથે છેડછાડ કરતા હોય છે
- પાકિસ્તાનની ટીમ સૌથી વધુ બોલ ટેમ્પરિંગ કરે છે
પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર પ્રવીણ કુમારે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. પ્રવીણ કુમારે બોલ ટેમ્પરિંગમાં ખેલાડીઓની સંડોવણી અંગે મોટો ખુલાસો કરતા કહ્યું કે, ખેલાડીઓ હંમેશા બોલ સાથે છેડછાડ કરતા હોય છે. દરેક ક્રિકેટર પોતાની મર્યાદામાં રહીને આવું કરતો હોય છે. પાકિસ્તાનની ટીમ બોલ ટેમ્પરિંગના મામલે થોડી આગળ રહી છે. તેઓ ખુબ જ વઘારે પ્રમાણમા બોલ ટેમ્પરિંગ કરતા હોય છે.
પ્રવીણ કુમારનો ચોંકાવનારો ખુલાસો
પ્રવીણ કુમાર ભારત માટે 68 ODI મેચ રમી ચુકેલા ફાસ્ટ બોલર છે. પ્રવીણ કુમારે એક ઈન્ટરવ્યૂ દરમિયાન એક મોટો ખુલાસો કરતા કહ્યું, 'દરેક ક્રિકેટર બોલ સાથે અવાર-નવાર ચેડા કરતા હોય છે. પાકિસ્તાનની ટીમ થોડા વધુ પ્રમાણમાં કરે છે. પહેલા જ્યારે ઓછા કેમેરા હતા ત્યારે બોલ ટેમ્પરિંગ ખૂબ જ વધારે થતું હતું. બોલ ટેમ્પરિંગમાં ખેલાડીઓ બોલની એકબાજુ સતત સ્ક્રેચ કરતા રહે છે. દરેક ખેલાડી બોલને સ્ક્રેચ કરી શકતા નથી. તે પહેલાથી શીખવું પડે છે.
બોલ ટેમ્પરિંગ શા માટે કરવામાં આવે છે?
બોલ જૂનો થવા લાગે છે ત્યારે તેની સાથે છેડછાડ કરવામાં આવતી હોય છે. બોલના એક ભાગને બગાડવાથી ફાસ્ટ બોલરોને રિવર્સ સ્વિંગમાં ઘણી મદદ મળતી હોય છે. જેના કારણે બોલ રિવર્સ સ્વિંગ થાય છે. જેનાથી બેટ્સમેનો મુશ્કેલીઓ અનુભવતા હોય છે. બોલ ટેમ્પરિંગના મામલમાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટર સ્ટીવન સ્મિથ અને ડેવિડ વોર્નર પર એક વર્ષનો પ્રતિબંધ પણ લાગી ચૂક્યો છે. પાકિસ્તાનના શાહિદ આફ્રિદી પણ એક વખત બોલ ટેમ્પરિંગમાં પકડાયો હતો.
કેમ જોવા મળતી નથી ODIમાં રિવર્સ સ્વિંગ
ODI ક્રિકેટમાં હવે રિવર્સ સ્વિંગની કળા ગાયબ થઈ ગઈ છે. કારણ કે મેચ દરમિયાન બંને છેડેથી નવા બોલનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આવી સ્થિતિમાં, ઇનિંગ્સના અંત સુધી બોલ જૂનો થતો નથી. આ જ કારણ છે કે ઝડપી બોલરો રિવર્સ સ્વિંગ પર ધ્યાન આપતા નથી. જો કે ટેસ્ટ ક્રિકેટમાં આ કળા હજુ પણ જીવંત છે.