• પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં
  • પાકિસ્તાન માટે ફરીથી રમવાનો તેનો કોઈ ઈરાદો નથી: શોએબ મલિક
  • શોએબ મલિક વનડે અને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે

 પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શોએબ મલિક પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ સુકાની શોએબ મલિકે સ્પષ્ટ કર્યું છે કે પાકિસ્તાન માટે ફરીથી રમવાનો તેનો કોઈ ઈરાદો નથી. મલિકે દાવો કર્યો છે કે તે નેશનલ ટીમમાં વાપસી કરવા માંગતો નથી. શોએબ મલિક વનડે અને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે. પરંતુ તેણે હજુ સુધી નક્કી કર્યું નથી કે તે તેની T20 કારકિર્દી ક્યારે નિવૃતિ લેશે.

શોએબ મલિકની આંતરરાષ્ટ્રીય કારકિર્દી સમાપ્ત

શોએબ મલિક લીગ ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે, પરંતુ તેણે દાવો કર્યો છે કે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દી સમાપ્ત થઈ ગઈ છે. ICC T20 વર્લ્ડકપ પહેલા, મલિકે પોતાને ટીમ માટે પસંદગી માટે ઉપલબ્ધ હોવાનું જણાવ્યું હતું. જો કે, બાબર આઝમે અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં તેની ટીમની કેપ્ટનશીપ કરી હોવાથી તેની પસંદગી કરવામાં આવી ન હતી.

શોએબ મલિકે પાકિસ્તાન માટે વાપસી નહીં કરવાની પુષ્ટિ કરી અને કહ્યું, “ના, હું આટલા વર્ષો રમ્યા પછી ખુશ અને સંતુષ્ટ છું. મને ફરીથી પાકિસ્તાન માટે રમવામાં કોઈ રસ નથી. મેં બે ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. હું લીગ ક્રિકેટ રમી રહ્યો છું અને મારો સમય પસાર કરી રહ્યો છું. મને જ્યાં પણ રમવાની તક મળે છે, હું તેનો પૂરો લાભ લેવાનો પ્રયત્ન કરું છું.

શોએબ મલિકનું આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પ્રદર્શન

શોએબ મલિકે ટેસ્ટ, વનડે અને ઈન્ટરનેશનલ ટી20માં કુલ 446 મેચ રમી છે. તેણે આ 446 મેચોમાં 11867 રન બનાવ્યા છે. શોએબ મલિકે 35 ટેસ્ટ મેચ રમી છે. આ 35 ટેસ્ટ મેચોમાં તેણે 47.7ની સ્ટ્રાઈક રેટથી 1898 રન બનાવ્યા છે. શોએબ મલિકે 287 વનડે મેચ રમી છે. આ 287 મેચોમાં તેણે 81.9ના સ્ટ્રાઈક રેટથી 7534 રન બનાવ્યા છે. આ સિવાય શોએબ મલિક અત્યાર સુધીમાં 124 આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટ મેચ રમી ચૂક્યો છે. આ 124 મેચોમાં તેણે 125.6ના સ્ટ્રાઈક રેટથી 2435 રન બનાવ્યા છે.

  • Follow us on: