• પાકિસ્તાન ક્રિકેટ બોર્ડમાં મચ્યો ખળભળાટ
  • મુખ્ય સિલેક્ટર ઈંઝમામ ઉલ-હકે આપ્યું રાજીનામું
  • ઈંઝમામ પર ખેલાડીઓને લાભ અપાવવાનો આરોપ

2023 વનડે વર્લ્ડકપમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમના ખરાબ પ્રદર્શન બાદ PCBમાં ખળભળાટ મચી ગયો છે. પાકિસ્તાન ક્રિકેટમાં આક્ષેપ-પ્રતિઆક્ષેપો શરૂ થયા છે. આ તમામ વચ્ચે પાકિસ્તાની ટીમના મુખ્ય સિલેક્ટર ઈંઝમામ ઉલ-હકે રાજીનામું આપ્યું છે.. ઈંઝમામ પર ઘણા ખેલાડીઓને લાભ આપવાનો આરોપ હતો.

મુખ્ય સિલેક્ટપના પદ પરથી આપ્યું રાજીનામું

તમામ આરોપો વચ્ચે ઈંઝમામ ઉલ હકે મુખ્ય સિલેક્ટરના પદ પરથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં રમાઈ રહેલી વનડે વર્લ્ડકપ 2023માં પાકિસ્તાનની ટીમ ખૂબ જ ખરાબ ફોર્મમાં જોવા મળી રહી છે. બાબર આઝમની કપ્તાની હેઠળની પાકિસ્તાન ક્રિકેટ ટીમ અત્યાર સુધી વર્લ્ડકપમાં 6 મેચ રમી છે. જેમાંથી 4 મેચમાં પાકિસ્તાની ટીમને હારનો સામનો કરવો પડ્યો છે.

બાબર આઝમ પર પણ લાગ્યા આક્ષેપ

ટૂર્નામેન્ટમાં પાકિસ્તાનના ખરાબ પ્રદર્શન બાદ ટીમના ઘણા પૂર્વ ખેલાડીઓ પણ કેપ્ટન બાબર આઝમ પર નિશાન સાધતા જોવા મળ્યા હતા. પાકિસ્તાનના ઘણા ક્રિકેટ નિષ્ણાતો અને પૂર્વ ખેલાડીઓએ વર્લ્ડકપમાં ટીમના ખરાબ પ્રદર્શન માટે બાબર આઝમને જવાબદાર ઠેરવ્યા હતા.

સારી શરૂઆત બાદ પાકિસ્તાને ગુમાવ્યું ફોર્મ

પાકિસ્તાને વર્લ્ડકપમાં તેની પ્રથમ મેચ 6 ઓક્ટોબરના રોજ નેધરલેન્ડ સામે રમી હતી. જેમાં પાકિસ્તાની ટીમે 81 રને જીત મેળવી હતી. જે બાદ પાકિસ્તાને વર્લ્ડકપના ઐતિહાસિક રનનો પીછો કરતા શ્રીલંકાને 6 વિકેટે હરાવ્યું હતું. જે બાદ પાકિસ્તાની ટીમ ત્રીજી મેચ ભારત સામે રમી હતી. જેમાં ભારતની 7 વિકેટે જીત થઈ હતી. જે બાદ પાકિસ્તાન ઓસ્ટ્રેલિયા સામે 62 રને, અફઘાનિસ્તાન સામે 8 વિકેટે અને સાઉથ આફ્રિકા સામે 1 વિકેટે હાર્યું હતું.

  • Follow us on: