- પેરિસ ઓલિમ્પિકમાં સ્વપ્નિલ કુસલેએ રચ્યો ઇતિહાસ
- 'મેરેથોન ઓફ શૂટિંગ'માં ભારતને અપાવ્યો બ્રોન્ઝ મેડલ
- ઇતિહાસ રચ્યા બાદ સ્વપ્નિલે જીતના બે રાઝ જણાવ્યા
મહારાષ્ટ્રના કોલ્હાપુરના રહેવાસી સ્વપ્નિલ કુસલેનું નામ ભારતના દરેક ઘરમાં ગર્વથી લેવામાં આવી રહ્યું છે. કુસલે પેરિસ ઓલિમ્પિક 2024માં પુરૂષોની 'મેરેથોન ઓફ શૂટિંગ' તરીકે ઓળખાતી 50 મીટર રાઇફલ 3 પોઝિશન સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ સ્પર્ધામાં ચીનના લિયુ યુકુને 463.6 પોઈન્ટ સાથે ગોલ્ડ જ્યારે યુક્રેનના સેરહી કુલીશે 461.3 પોઈન્ટ સાથે સિલ્વર મેડલ જીત્યો હતો.
કુસલેએ 6 રાઉન્ડમાં 451.4 પોઇન્ટ મેળવ્યા હતા. ઓલિમ્પિકમાં ઈતિહાસ રચ્યા બાદ કુસલે મીડિયા સાથે વાત કરી અને જણાવ્યું કે તેણે આટલી રોમાંચક અને તણાવપૂર્ણ રમતમાં કેવી રીતે પોતાની જાતને સંતુલિત કરી. કુસલેએ કહ્યું કે મેડલ જીતવા માટે તેણે બે બાબતો પર ધ્યાન આપ્યું હતું. ચાલો જાણીએ સ્વપ્નિલની જીતના તે 2 રહસ્યો શું છે.
નબળી શરૂઆત બાદ શાનદાર કમબેક
નોંધનીય છે કે 50 મીટર રાઇફલ 3 પોઝિશન સ્પર્ધામાં ભારતનો આ પહેલો મેડલ છે. અગાઉ બેઇજિંગ ઓલિમ્પિક 2008માં અભિનવ બિન્દ્રાએ પુરુષોની 10 મીટર એર રાઈફલમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ પછી ગગન નારંગે લંડન ઓલિમ્પિક 2012માં આ જ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. મેડલ જીત્યા બાદ કુસલેએ કહ્યું કે હું આ સમયે ખૂબ જ ભાવુક થઈ રહ્યો છું.
આ મેડલ મારા માટે ઘણો મહત્વનો છે. આ ગોલ્ડ નથી પણ મેડલ જીત્યો એનો મને આનંદ છે. ઓલિમ્પિક મેડલ જીતવાનું હંમેશા મારું સપનું હતું. તમને જણાવી દઈએ કે કુસલે પ્રથમ 15 શોટ પછી 153.3 પોઈન્ટ સાથે ઘૂંટણિયે પોઝિશનમાં છઠ્ઠા સ્થાને હતો. પરંતુ, પ્રોન પોઝિશનમાં ત્રણ સિરીઝમાં અને સ્ટેન્ડિંગ પોઝિશનમાં બે સિરીઝમાં ઉત્તમ પ્રદર્શન બાદ તે સ્ટેજ 1 ના અંતે ત્રીજા સ્થાને પહોચ્યો હતો.
ઇતિહાસ રચ્યા બાદ જીતના બે રાઝ જણાવ્યા
સ્ટેજ 2 માં દરેક શોટ પછી એક સ્પર્ધકને નાબૂદ કરવા સાથે, કુસલેએ તેના પછીના ત્રણ શોટમાં 10.5, 9.4 અને 9.9 પોઈન્ટ મેળવ્યા. આ રીતે તેણે ટોપ થ્રીમાં પોતાનો દાવો જાળવી રાખ્યો અને બ્રોન્ઝ મેડલ જીત્યો. આ ઐતિહાસિક ક્ષણ પછી કુસલેએ મીડિયા સાથે વાત કરી. તેણે કહ્યું કે મેડલ જીત્યા બાદ તે ખૂબ જ સારું અનુભવી રહ્યો છે. હૃદયના ધબકારા ઝડપી થઇ ગયા હતા.
નબળી શરૂઆત બાદ તેના શાનદાર પુનરાગમન અંગે કુસલેએ કહ્યું કે તેણે બે વસ્તુઓ કરી છે. તેણે કહ્યું કે સૌથી પહેલા મેં રમત દરમિયાન મારા શ્વાસ પર ધ્યાન આપ્યું. બીજું, મારી પાસે કેટલાક કીવર્ડ્સ છે જે હું પુનરાવર્તન કરતો હતો. જ્યારે પણ મારે શોટ બદલવો પડતો ત્યારે હું મારા શ્વાસ પર ધ્યાન આપતો હતો. એલિમિનેશન રાઉન્ડમાં પણ આવું જ કર્યું. મારા મગજમાં ન તો સ્કોર કે બીજું કંઈ હતું. મેં તે જ કર્યું જે હું ઘણા વર્ષોથી કરતો હતો.