- અત્યાર સુધી ભારતને માત્ર 3 મેડલ મળ્યા છે
- લક્ષ્ય સેનને મેન્સ બેડમિન્ટનની સેમીફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો
- લોવલિના મહિલા બોક્સિંગ (75 કિગ્રા)ની ક્વાર્ટર ફાઇનલમાં હારી ગઈ હતી
પેરિસ ઓલિમ્પિક 2024માં 9 દિવસની રમતો પૂર્ણ થઈ ગઈ છે. અત્યાર સુધી ભારતને માત્ર 3 મેડલ મળ્યા છે. ભારત પાસે ગેમ્સના 9મા દિવસે બેડમિન્ટન અને બોક્સિંગમાં મેડલ સુનિશ્ચિત કરવાની તક હતી, પરંતુ તે થઈ શક્યું નહીં. લક્ષ્ય સેનને મેન્સ બેડમિન્ટનની સેમીફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો.લોવલિના મહિલા બોક્સિંગ (75 કિગ્રા)ની ક્વાર્ટર ફાઇનલમાં હારી ગઈ હતી. પેરિસ ઓલિમ્પિકનો 10મો દિવસ ભારત માટે ઘણો મહત્વનો બની રહ્યો છે. ચાલો જાણીએ કે 10માં દિવસે કયા ખેલાડીઓ મેદાનમાં ઉતરશે.
દિવસની શરૂઆત શૂટિંગથી થશે
મહેશ્વરી ચૌહાણ અને અનંતજીત સિંહ નારુકા મિક્સ્ડ શૂટિંગ સ્કીટ ટીમમાં ભારત તરફથી રમતા જોવા મળશે. આ ક્વોલિફિકેશન રાઉન્ડ હશે, જે બપોરે 12.30 વાગ્યે શરૂ થશે. આ પછી ટેબલ ટેનિસનો વારો આવશે. ટેબલ ટેનિસમાં મહિલા ટીમ પ્રી-ક્વાર્ટર ફાઈનલ રમશે. આ મેચ બપોરે 1.30 વાગ્યાથી રમાશે. ત્યારે સૌની નજર એથ્લેટિક્સ પર રહેશે. કિરણ પહલ મહિલાઓની 400 મીટરના પ્રથમ રાઉન્ડમાં ભાગ લેશે. આ રેસ બપોરે 3.57 કલાકે શરૂ થશે.
અવિનાશ સાબલે પુરુષોની 3,000 મીટર સ્ટીપલચેસમાં પ્રવેશ કરશે
આ પછી અવિનાશ સાબલે પુરુષોની 3,000 મીટર સ્ટીપલચેસમાં પ્રવેશ કરશે. આ પ્રથમ રાઉન્ડની રેસ પણ હશે, જે રાત્રે 10.35 કલાકે શરૂ થશે. આ સિવાય નેત્રા કુમાનન સેલિંગમાં મહિલાઓની ડીંઘી રેસ 9માં ભાગ લેશે. તેમની મેચ બપોરે 3.45 વાગ્યે શરૂ થશે. દરમિયાન, વિષ્ણુ સરવણન સાંજે 6.10 વાગ્યાથી પુરુષોની ડીંઘી રેસ 9માં એક્શનમાં જોવા મળશે. બીજી તરફ, મહિલાઓની ડીંઘી રેસ 10 સાંજે 4.53 કલાકે અને પુરુષોની ડીંઘી રેસ 10 સાંજે 7.15 કલાકે શરૂ થશે.
લક્ષ્ય સેન પાસે મેડલ જીતવાની તક છે
ભારતનો સ્ટાર ખેલાડી લક્ષ્ય સેન ફરી એકવાર બેડમિન્ટનમાં એક્શનમાં જોવા મળશે. સેમિફાઇનલમાં હારનો સામનો કરનાર લક્ષ્ય સેન હવે બ્રોન્ઝ મેડલ મેચ રમશે. લક્ષ્યનો સોમવારે સાતમા ક્રમાંકિત મલેશિયાના લી જી જિયાનો સામનો થશે. જો તે મલેશિયાના આ ખેલાડીને હરાવે છે તો તે દેશને પેરિસ ગેમ્સનો ચોથો મેડલ અપાવશે. આ સાથે જ તેની પાસે ઓલિમ્પિક મેડલ જીતનાર પ્રથમ ભારતીય પુરુષ બેડમિન્ટન ખેલાડી બનવાની સુવર્ણ તક પણ છે.