- ભારતની રમિતા જિંદાલે 10 મીટર એર રાઈફલમાં ઈતિહાસ રચ્યો
- આ ઈવેન્ટની ફાઈનલમાં પહોંચનારી તે ત્રીજી ભારતીય એથ્લેટ બની
- ભારતની ઈલેવેનિલ 630.7ના સ્કોર સાથે 10મા સ્થાને રહી
ભારતની રમિતા જિંદાલે 10 મીટર એર રાઈફલ મહિલા સિંગલ્સમાં ઈતિહાસ રચ્યો છે. આ ઈવેન્ટની ફાઈનલમાં પહોંચનારી તે ત્રીજી ભારતીય એથ્લેટ બની ગઈ છે. 20 વર્ષની રમિતા જિંદાલે ક્વોલિફિકેશન રાઉન્ડમાં 631.5ના સ્કોર સાથે ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. તેણે તમામ 6 સિરીઝમાં 100 પ્લસનો સ્કોર કર્યો. આ જ ઈવેન્ટમાં, ભારતની ઈલાવેનિલ 630.7ના સ્કોર સાથે 10મા સ્થાને રહી અને ફાઈનલ માટે ક્વોલિફાય થઈ શકી નહીં.

રમિતા જિંદાલનું શાનદાર પ્રદર્શન
શૂટર રમિતા જિંદાલે ધીરજ અને હિંમતનું શાનદાર પ્રદર્શન કરીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. તે લાંબા સમય સુધી ટોપ-8માંથી બહાર હતી, પરંતુ અંતિમ રાઉન્ડમાં તેણે પુનરાગમન કર્યું અને પાંચમું સ્થાન મેળવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો. રમિતા જિંદાલને તેના અંતિમ શોટમાં ઓછામાં ઓછા 10.3 પોઈન્ટની જરૂર હતી અને તેણે ફાઈનલમાં જવા માટે 10.4 પોઈન્ટ મેળવ્યા હતા. રમિતા જિંદાલ હવે આવતીકાલે બપોરે 1 વાગ્યે મહિલાઓની 10 મીટર એર રાઇફલ ફાઇનલ મેચ રમતા જોવા મળશે, જ્યાં ભારત મેડલ જીતે તેવી અપેક્ષા છે. બીજી તરફ ક્વોલિફાઈંગ રાઉન્ડથી જ ઈલાવેનિલની સફર અટકી ગઈ છે. તે ટોપ-8માંથી બહાર છે.
પ્રથમ મેડલની આશા
આજે પેરિસ ઓલિમ્પિક-2024માં ભારતની સૌથી મોટી આશા મહિલા શૂટર મનુ ભાકેર પાસેથી છે. કરોડો ભારતીય રમતપ્રેમીઓની નજર મનુ ભાકર પર છે. મનુ ભાકર દેશ માટે પહેલો ગોલ્ડ મેડલ જીતી શકે છે. મનુ ભાકર 10 મીટર એર પિસ્તોલ મહિલા વર્ગની ઈવેન્ટમાં ફાઈનલ મેચ રમતી જોવા મળશે. આ મેચ બપોરે 3.30 કલાકે શરૂ થશે.
પીવી સિંધુની શાનદાર શરૂઆત
ભારતની સ્ટાર શટલર અને 2 વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુએ પેરિસ ઓલિમ્પિક-2024માં શાનદાર શરૂઆત કરી છે. પીવી સિંધુએ પોતાની પ્રથમ ગ્રુપ મેચમાં આસાન જીત નોંધાવી હતી. તેણે તેની હરીફ માલદીવની ફાતિમા નબાહા અબ્દુલ રઝાકને 21-9, 21-6થી હરાવ્યો હતો. આ જીત સાથે પીવી સિંધુ ગ્રુપ-એમમાં ટોચના સ્થાને પહોંચી ગઈ છે. માત્ર ગ્રૂપમાં ટોચની ટીમ જ રાઉન્ડ ઓફ 16 માટે ક્વોલિફાય કરી શકશે. સિંધુ આગામી 31 જુલાઈએ ક્રિસ્ટીન કુબા સામે ટકરાશે અને ત્યાં જીત તેને સરળતાથી નોકઆઉટ સ્ટેજમાં લઈ જશે.