- ભારતીય રેસલર વિનેશ ફોગાટ પેરિસથી ભારત પરત ફરી છે
- દિલ્હી એરપોર્ટ પર વિનેશનું ભવ્ય સ્વાગત કરવમાં આવ્યું હતું
- વિનેશે પેરિસની ઘટના પર તેની પ્રથમ પ્રતિક્રિયા આપી હતી
વિનેશ ફોગાટ પેરિસથી ભારત પરત ફરી છે. તેમના સ્વાગત માટે લોકો દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યા હતા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ફેન્સ ઉપરાંત તેમના સાથી રેસલરો પણ તેમનું સ્વાગત કરવા એરપોર્ટ પહોંચ્યા હતા. આ ભવ્ય સ્વાગત પર વિનેશ ફોગટ ભાવુક થઈ ગઈ અને રડવા લાગી હતી. જો કે, તેમણે તેમનું સ્વાગત કરવા આવેલા દરેકનો આભાર માન્યો અને પેરિસના ઘટના પર તેમની પ્રથમ પ્રતિક્રિયા આપી હતી.
શું કહ્યું વિનેશ ફોગાટે?
વિનેશ ફોગાટે તેના નિવેદનમાં કહ્યું કે તે લોકો તરફથી મળેલા અપાર પ્રેમ અને સન્માન માટે આભારી છે. તેઓએ મને ગોલ્ડ ના આપ્યો થયું? દેશમાં લોકોનો અપાર પ્રેમ અને સન્માન મળ્યું છે તે 1000 ગોલ્ડ મેડલ બરાબર છે. વિનેશ ફોગાટના સ્વાગત માટે તેના સાથી રેસલર બજરંગ પુનિયા, સાક્ષી મલિક અને કોંગ્રેસ સાંસદ દિપેન્દ્ર સિંહ હુડ્ડા પહોંચ્યા હતા. જેમણે રોડ શોમાં પણ ભાગ લીધો હતો.
બજરંગ પુનિયાએ શું કહ્યું?
બજરંગ પુનિયાએ પોતાના નિવેદનમાં કહ્યું કે વિનેશનું ચેમ્પિયનની જેમ સ્વાગત કરવામાં આવ્યું છે. વિનેશે આ સપોર્ટ માટે તમામનો આભાર પણ માન્યો છે. દેશે વિનેશની ગામની ગલીઓથી લઈને પોડિયમ સુધીની સફર જોઈ છે. આ દરમિયાન સાક્ષી મલિકે પોતાના નિવેદનમાં કહ્યું કે આજનો દિવસ મોટો છે. વિનેશે તમામ મહિલાઓ અને દેશ માટે જે કર્યું છે તે પ્રશંસનીય છે. તેને આશા છે કે લોકો તેનું સન્માન કરતા રહેશે. વિનેશ ફોગાટ આપણા બધા માટે ઓલિમ્પિક ચેમ્પિયન છે.
50 કિગ્રા કુસ્તી સ્પર્ધામાં ભાગ લીધો હતો
વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિક-2024માં મહિલાઓની 50 કિગ્રા કુસ્તી સ્પર્ધામાં ભાગ લીધો હતો. વિનેશે પોતાની પ્રથમ મેચમાં ગત ઓલિમ્પિકની ગોલ્ડ મેડલ વિજેતા અને વિશ્વ ચેમ્પિયન રેસલરને હરાવી હતી. આ પછી, વિનેશે ક્વાર્ટર ફાઈનલ અને સેમીફાઈનલમાં જોરદાર જીત નોંધાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ફાઈનલના દિવસે, તેણીને 100 ગ્રામ વધારે વજન હોવાના કારણે ગેરલાયક ઠેરવવામાં આવી હતી. તેમણે આ નિર્ણયને CASમાં પડકાર્યો હતો, જ્યાં દેશના જાણીતા વકીલ હરીશ સાલ્વેએ તેમનો કેસ લડ્યો હતો. પરંતુ, CASએ વિનેશ ફોગાટના કેસને ફગાવી દીધો હતો.