• ભારતની યુવા શૂટર મનુ ભાકરે વધુ એક મેડલની રેસમાં જગ્યા બનાવી લીધી છે
  • મનુ ભાકર અને સરબજોત સિંહે 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટની ફાઈનલમાં ક્વોલિફાય કર્યું છે
  • રિદમ સાંગવાન અને અર્જુન સિંહની જોડી જગ્યા બનાવવામાં નિષ્ફળ રહી હતી

પેરિસ ઓલિમ્પિકમાં પહેલો મેડલ જીતનારી યુવા શૂટર મનુ ભાકરે વધુ એક મેડલની રેસમાં જગ્યા બનાવી લીધી છે. મનુ ભાકર અને સરબજોત સિંહે સોમવારે પેરિસ ઓલિમ્પિકમાં 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટના ક્વોલિફાઈંગ રાઉન્ડમાં ભાગ લીધો હતો. તેમને સચોટ લક્ષ્યાંક રાખીને બ્રોન્ઝ મેડલ મેચ માટે ક્વોલિફાય કર્યું હતું. ક્વોલિફાઈંગ ઈવેન્ટના પહેલા સેટમાં મનુ અને સરબજોતે 193 પોઈન્ટ બનાવ્યા, જ્યારે બીજા સેટમાં મનુ અને સરબજોતે 195 પોઈન્ટ અને ત્રીજા સેટમાં 192 પોઈન્ટ બનાવ્યા. બંને કુલ 580 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. હવે મંગળવારે તેમની બ્રોન્ઝ મેડલ મેચ રમાશે. આ મેચ પર પણ દુનિયાની નજર રહેશે.

રિદમ-અર્જુન ન કરી શક્યા ક્વોલિફાય

મનુ ભાકર-સરબજોત સિંહની જોડી સિવાય રિદમ સાંગવાન અને અર્જુન સિંહની જોડીએ પણ 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટના ક્વોલિફાઈંગ રાઉન્ડમાં ભાગ લીધો હતો, પરંતુ તેઓ ફાઈનલ માટે ક્વોલિફાઈ કરી શક્યા ન હતા. રિદમ અને અર્જુને ક્વોલિફાઈંગ ઈવેન્ટના પહેલા સેટમાં 194 પોઈન્ટ મેળવ્યા હતા, જ્યારે ભારતીય જોડીએ બીજા સેટમાં 192 પોઈન્ટ અને ત્રીજા સેટમાં 190 પોઈન્ટ મેળવ્યા હતા. રિદમ અને અર્જુને કુલ 576 માર્ક્સ મેળવ્યા અને 10મા સ્થાને રહ્યા.

 

મનુએ દેશને અપાવ્યો પહેલો મેડલ

યુવા શૂટર મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતને પહેલો મેડલ અપાવ્યો હતો. તેણે 10 મીટર એર પિસ્તોલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આવું કરનાર તે પહેલી ભારતીય મહિલા શૂટર બની હતી. હરિયાણાની યુવા શૂટર મનુ ભાકર 221.7 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. ગઈકાલે તેણે બ્રોન્ઝ મેડલ કબજે કર્યો.

મનુ-સરબજોત આવતીકાલે બ્રોન્ઝ મેડલ મેચ રમશે

મનુ ભાકર અને સરબજોત સિંહે 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટના ક્વોલિફિકેશન રાઉન્ડમાં શાનદાર પ્રદર્શન કર્યું અને ત્રીજું સ્થાન મેળવ્યું. મનુ ભાકર અને સરબજોત સિંહ હવે બ્રોન્ઝ મેડલ માટે આવતીકાલે શૂટિંગ રેન્જમાં ઉતરશે. આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 1 વાગ્યે રમાશે. આ ભારતીય જોડી બ્રોન્ઝ મેડલ માટે દક્ષિણ કોરિયાના ઓહ યે જિન અને લી વોન્હો સામે ટકરાશે. ગોલ્ડ મેડલ માટે તુર્કી અને સર્બિયા વચ્ચે ટક્કર થશે.

Image - X

  • Follow us on: