પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ભારતની સફર સમાપ્ત થઈ ગઈ છે. પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતે ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું. આ વખતે ભારતે રેકોર્ડ 29 મેડલ જીત્યા છે. જેમાં 7 ગોલ્ડ, 9 સિલ્વર અને 13 બ્રોન્ઝ મેડલ સામેલ છે. મેડલ ટેલીમાં ભારત 18માં નંબર પર છે. ભારતે સ્વિટ્ઝર્લેન્ડ, દક્ષિણ કોરિયા, બેલ્જિયમ અને આર્જેન્ટિના જેવા દેશોને મેડલ ટેલીમાં પાછળ છોડી દીધા છે.
ભારતે પેરાલિમ્પિક ગેમ્સમાં અત્યાર સુધીનું પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું છે અને અગાઉના તમામ રેકોર્ડસ તોડ્યા છે. આ અગાઉ પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન ટોક્યોમાં થયું હતું. ટોક્યો પેરાલિમ્પિક્સ 2020માં ભારતે 5 ગોલ્ડ, 8 સિલ્વર અને 6 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. ત્યારબાદ ભારતે કુલ 19 મેડલ સાથે 24મું સ્થાન મેળવ્યું હતું.
ભારતે એથ્લેટિક્સમાં સૌથી વધુ મેડલ જીત્યા
આ વખતે ભારતે એથ્લેટિક્સમાં સૌથી વધુ 17 મેડલ જીત્યા, જેમાં ચાર ગોલ્ડનો સમાવેશ થાય છે. આ પછી પેરા બેડમિન્ટન બીજા ક્રમે આવી, જેમાં ભારતે એક ગોલ્ડ સહિત 5 મેડલ જીત્યા. જ્યારે પેરાશૂટિંગમાં ભારતે એક ગોલ્ડ સહિત 4 મેડલ જીત્યા હતા. બીજી તરફ ભારતે પેરા તીરંદાજીમાં એક ગોલ્ડ અને પેરા જુડોમાં 1 બ્રોન્ઝ મેડલ સહિત 2 મેડલ જીત્યા હતા. ભારતે પ્રથમ વખત પેરાલિમ્પિક ગેમ્સમાં આટલા ગોલ્ડ મેડલ જીત્યા છે. આ પહેલા ભારતીય ખેલાડીઓએ ટોક્યો પેરાલિમ્પિકમાં 5 ગોલ્ડ મેડલ જીત્યા હતા.
જો જોવામાં આવે તો 1968 થી 2016 સુધીમાં ભારતે પેરાલિમ્પિક ગેમ્સમાં માત્ર 12 મેડલ જીત્યા હતા. પરંતુ ભારતે હવે છેલ્લી બે પેરાલિમ્પિક ગેમ્સમાં તેના કરતાં ચાર ગણા વધુ મેડલ જીત્યા છે. ભારતે ટોક્યોમાં 19 અને પેરિસમાં 29 મેડલ જીત્યા છે, જેની કુલ સંખ્યા 48 છે. પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતની આ લાંબી ઉડાન ખૂબ જ મહત્વપૂર્ણ છે.
ભારતે પ્રથમ મેડલ ક્યારે જીત્યો હતો
પેરા એથ્લેટ મુરલીકાંત પેટકરે 1972માં પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતને પહેલો મેડલ જીતાડ્યો હતો. મુરલીકાંત પેટકર એ જ ખેલાડી છે જેમના જીવન પર બનેલી ફિલ્મ 'ચંદુ ચેમ્પિયન' પણ તાજેતરમાં રિલીઝ થઈ હતી. શૂટર અવની લેખારાએ પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ભારતનો પહેલો મેડલ જીત્યો હતો, જે ગોલ્ડ મેડલ હતો. આ પછી નિતેશ કુમાર (બેડમિન્ટન), સુમિત એન્ટિલ (એથ્લેટિક્સ), હરવિંદર સિંહ (એથ્લેટિક્સ), ધરમબીર (એથ્લેટિક્સ), પ્રવીણ કુમાર (એથ્લેટિક્સ) અને નવદીપ સિંહ (એથ્લેટિક્સ) પણ ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહ્યા હતા.